તાજા સમાચારFeatured|ગુજરાતગુજરાત

ગુજરાત સરકારે આપી સૌથી મોટી મંજૂરી, આ ક્ષેત્રની ડિગ્રી ધરાવતા લોકો માટે કરાઈ મહત્વની જાહેરાત

1.38Kviews

ગુજરાત સરકારે યોગ અને નેચરોપેથીની સારવારને લઈને મહત્વપુર્ણ નિર્ણય કર્યો છે. હવે યોગ અને નેચરોપેથી ડિગ્રી ધરાવતાં લોકોને સારવારની મંજૂરી રૂપાણી સરકારે આપી દીધી છે. આ માટે તેઓને રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને તે બાદ સારવાર કરી શકશે. આ નિર્ણય અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માહિતી આપી હતી. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને યોગ અને નેચરોપેથી સારવાર મળી રહે એ માટે રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. યોગ અને નેચરોપેથીની ડિગ્રી ધરાવનાર સ્નાતકો રજિસ્ટ્રેશન કરાવીને યોગ અને નેચરોપેથી દ્વારા લોકોની સારવાર કરી શકશે.

આ ઉપરાંત નીતિન પટેલે કહ્યું કે, ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા 8 જુલાઇ 2021ના ઠરાવમાં જણાવ્યા અનુસાર વડોદરા ખાતે આવેલ મોરારજી દેસાઈ ઇન્સ્ટિટયૂટ ઓફ નેચરોપેથી અને યોગિક સાયન્સ વડોદરામાંથી બેચરલ ઓફ નેચરોપેથી અને યોગીક સાયન્સ એટલે કે બી.એન.વાય.એસ.ની ડિગ્રી ધરાવનાર વ્યક્તિ ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદ અને યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન, ગુજરાત રાજ્ય બોર્ડ ખાતે પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે.

મોરારજી દેસાઈ ઇન્સ્ટિટયૂટ ખાતેથી ડિગ્રી મેળવનાર સ્નાતક વ્યક્તિ ગુજરાત બોર્ડ આયુર્વેદિક અને યુનાની સિસ્ટમ્સ મેડિસિન ગુજરાત રાજ્ય ખાતે 1500 રૂપિયા ફી ભરીને પોતાનું પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન કરાવી શકશે અને રજિસ્ટ્રેશન પાંચ વર્ષના અંતે રિન્યુ કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ જે તે સ્નાતક વ્યક્તિ પોતાના અભ્યાસક્રમ મુજબ યોગ અને નેચરોપેથીની પ્રેક્ટિસ કરી શકશે.

આ ઉપરાંત નીતિન પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી દ્વારા વેલનેસ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ આરોગ્ય સુખાકારી વધે અને લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા હેલ્થ અને વેલનેસ ક્લિનિક (HWC) શરૂ કરવામાં આવ્યા છે.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો