તાજા સમાચારગુજરાત

ભાજપ પ્રચંડ વિજય તરફ અગ્રેસર\ તાલુકા-જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપના આટલા ઉમેદવારોનો થયો બિનહરીફ વિજય

271views

ગુજરાતમાં પહેલા તબક્કામાં 6 મહાનગર પાલિકાની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં ભાજપે બાજી મારી છે. તેવામાં તાલુકા-જિલ્લા અને પાલિકાની ચૂંટણીનું આવતીકાલે મતદાન યોજાશે. 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાની ચૂંટણીનું મતદાન આવતીકાલે યોજાશે. 28મી ફેબ્રુઆરી રવિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું મતદાન થશે અને 2 માર્ચે મત ગણતરી હાથ ધરાશે.

સુરત જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો પર મતદાન થવાનું છે. તેવામાં ભારતીય જનતા પાર્ટી માટે સારા સમાચાર સામે આવ્યા છે. કારણ કે, સુરત જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકોમાંથી કામરેજ અને પિંજરત બેઠક પર ભાજપના ઉમેદવારોનો બિનહરીફ વિજય થયો છે. આ સાથે જ તાલુકા પંચાયતમાં ચોર્યાસીની બે, ઓલપાડની 5, બારડોલીની એક બેઠક પર બિનહરીફ વિજય થયો છે.

તેમજ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાની સુલતાનપુર, જામકંડોરણા તાલુકાની બરડીયા, ચાવંડી અને જસાપર તાલુકા પંચાયતની બેઠક ભાજપને બિનહરીફ મળી છે. જૂનાગઢ તાલુકા પંચાયતની ભલગામ બેઠક, વાડાસડ અને ધંધુસર બેઠક તેમજ મોરબી જિલ્લાના ટંકારાના સાવડી બેઠક, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાની વાંસજાળીયા બેઠક ભાજપને બિનહરીફ મળી છે.

દ્વારકા જિલ્લાની પોસીત્રા, ધ્રાસણવેલ, ટુપ્પણી અને મીઠાપુર-૨ બેઠક ભાજપને બિનહરીફ મળી છે. ઉના પાલિકાની ૨૧ બેઠક ચૂંટણી પહેલાજ ભાજપને બિનહરીફ મળી જતા ત્યાં કેસરીયો લહેરાયો છે. તેમજ કેશોક પાલિકાના વોર્ડ નં.૧ની એક બેઠક ભાજપને બિનહરીફ મળી છે.

ઓખા પાલિકાની પેટાચૂંટણીમા વોર્ડ નં.૧માં ભાજપ બિનહરીફ થયુ છે.સલાયા પાલિકાની ૮ બેઠકની પેટાચૂંટણીમાં ભાજપ મેદાનમા જ નથી. ત્યાં કોંગ્રેસ અને આપ વચ્ચે જ મુકાબલો છે. રાજકોટ જિલ્લાની તાલુકા પંચાયતની ધોરાજીની ઝાંઝમેર બેઠક તેમજ દ્વારકા જિલ્લાની ખંભાળિયા તાલુકા પંચાયતની સામોર બેઠક અને વેરાવળ પાલિકાની બે બેઠક કોંગ્રેસને બિનહરિફ મળી છે.

6 મહાનગરપાલિકા પછી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીના બીજા તબક્કામાં પાલિકા અને પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ રવિવારે 5481 બેઠકો માટે મતદાન યોજાશે. આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સહિત કુલ 22,170 ઉમેદવારો મેદાનમાં છે.