તાજા સમાચારગુજરાત

રૂપાણી સરકારનો મહત્વનો નિર્ણય \ આ તારીખથી ખૂલશે 9 અને 11ની શાળા તેમજ ટ્યુશન ક્લાસીસ

615views

2020ના વર્ષમાં કોરોનાની મહામારીને કારણે લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું. જેમાં સ્કૂલો અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરીને બાળકો અભ્યાસથી વંચિતના રહી જાય તે માટે ગુજરાત સરકારે ઓનલાઈન શિક્ષણ અંગે અનેક મહત્વના નિર્ણયો લીધા હતા. સાથે જ કોરોના મહામારીના 9 મહિના બાદ 11 જાન્યુઆરીએ રાજ્યમાં ધોરણ 10 અને 12ની સ્કૂલો ખોલવાનો સૌથી મહત્વનો નિર્ણય સરકારે લીધો હતો. તેવામાં આજ રોજ રૂપાણી સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે.

આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ કેબિનેટ બેઠકમાં અનેક મહત્વની બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અન્ય ધોરણની શાળા શરૂ કરવા અને ટ્યુશન ક્લાસીસ શરૂ કરવા અંગે મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી કે, 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને ધોરણ 11 નું શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે. તેમજ ટ્યુશન ક્લાસીસ પણ 1 ફેબ્રુઆરીથી ચાલુ કરી શકાશે. ટ્યુશન ક્લાસીસમાં માત્ર 9 થી 12 ધોરણ સુધીના જ શરૂ કરવામાં આવશે.

સ્કૂલો અને વાલીઓએ આ બાબતોનું ધ્યાન રાખવું પડશે

• સ્કૂલ-કોલેજો શરૂ કરતાં પહેલાં દરેક સંકુલમાં સ્વચ્છતા-સફાઇ સુવિધા કરવી પડશે.
• વિદ્યાર્થીઓનું થર્મલગનથી ચેકિંગ, સેનિટાઇઝર અને હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે.
• વર્ગખંડોમાં અને શાળા-કોલેજ સંકુલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાવું જોઈએ. એટલું જ નહિ, માસ્કનો ફરજિયાત ઉપયોગ થવો જોઈએ.
• સ્કૂલ-કોલેજથી નજીકના અંતરે મેડિકલ સેવાઓ ઉપલબ્ધ હોય એની પણ ખાતરી કરાવવી પડશે.
• ભારત સરકારની SOPને અનુસરતાં રાજ્યમાં શાળા-કોલેજો દ્વારા જે ઓનલાઇન એજ્યુકેશન વ્યવસ્થા કરવામાં આવી છે એ યથાવત્ રહેશે.
• રાજ્યમાં આવેલાં તમામ બોર્ડની બધી જ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તેમજ આદિ જાતિ વિકાસ વિભાગની શાળાઓને SOP લાગુ પડશે.
• સ્કૂલમાં વિદ્યાર્થીની હાજરી ફરજિયાત રાખવામાં આવી નથી.
• સ્કૂલે આવવા માટે વિદ્યાર્થીનાં માતા-પિતા કે વાલીની લેખિત સંમતિ પણ સંસ્થાઓએ મેળવવાની રહેશે.
• વિદ્યાર્થી પોતાનું માસ્ક, પાણીની બોટલ, પુસ્તકો, નાસ્તો વગેરે ઘરેથી જ લાવે અને અન્ય છાત્રો સાથે આપ-લે ન કરે એ જોવાનું પણ જણાવવામાં આવશે
• વર્ગખંડમાં રિવાઇઝડ બેઠક વ્યવસ્થા મુજબ બે વિદ્યાર્થી વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવું પડશે.
• સ્કૂલ-કોલેજ સંકુલમાં વિદ્યાર્થીઓની ભીડ ન થાય એ માટે વિદ્યાર્થીઓ તબક્કાવાર આવે એવું આયોજન આચાર્ય-પ્રિન્સિપાલે ગોઠવવાનું રહેશે.
• વિદ્યાર્થીઓ ક્રમાનુસાર અઠવાડિયામાં નિયત કરેલા દિવસોએ સ્કૂલમાં આવે અને બાકીના દિવસોમાં ઘરે બેઠા એસાઇન્મેન્ટ કરે તેવું આયોજન કરવા પણ સૂચવવામાં આવ્યું છે.
• સામૂહિક પ્રાર્થના–મેદાન પરની રમતગમત કે અન્ય સામૂહિક પ્રવૃત્તિ ન કરવા પણ સૂચના આપી છે.
• વાલીઓ તેમના વ્યક્તિગત ટ્રાન્સપોર્ટેશનનો જ ઉપયોગ બાળકને સ્કૂલે જવા-આવવા કરે, એ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
• જે વિદ્યાર્થીઓ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હોય તેમને પણ સ્કૂલ તરફથી સાવચેતી-સતર્કતાનું યોગ્ય માર્ગદર્શન અપાશે.