તાજા સમાચારગુજરાત

ઉત્તરાયણના એક દિવસ પહેલા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું મોટું નિવેદન, કહ્યું – તહેવારના કારણે કોરોનાનું સંક્રમણ વધ્યું તો…..

576views

ઉત્તરાયણને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે પતંગ રસિયાઓએ તૈયારીઓ શરૂ કરી છે. થોડા દિવસ અગાઉ ગુજરાત સરકારે ઉત્તરાયણના તહેવારને લઇને જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં મકાન-ફ્લેટ કે પછી સોસાયટીના મેદાનમાં કે ધાબા પર સ્થાનિક રહીશો સિવાય અન્ય કોઇપણ વ્યક્તિ કે મહેમાનને પ્રવેશ પર પ્રતિબંધ જાહેર કરાયો છે. જો આ નિયમનો ભંગ થશે તો તેના માટે સોસાયટીના પ્રમુખ કે અધિકૃત વ્યક્તિ સામે કાયદેસર કાર્યવાહી કરાશે. તેવામાં હવે આ નિર્ણયને લઇને ગુજરાતના શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે રાજ્ય ગૃહમંત્રીએ રાજ્યની જનતાને અપીલ કરી છે.

આ વચ્ચે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નાગરિકો જોગ અપીલ કરતા જણાવ્યું હતું કે, દિવાળીના સમયગાળામાં આપણે ચોકસાઈ રાખવાનું ટાળતા કોરોનાનું સંક્રમણ વધ્યું હતું. હવે આવનાર ઉતરાયણમાં તમામ લોકો સરકારની માર્ગદર્શિકાનું પાલન કરીને તહેવારની ઉજવણી કરીએ તે જરૂરી છે. લોકો જરૂરી દુરી રાખીને તહેવારની ઉજવણી કરીને સંક્રમણને વધતું અટકાવીએ એવી અપીલ કરી હતી.

ઉતરાયણ માટેની સરકારની ગાઈડલાઈન

જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો અને રસ્તાઓ પર એકઠા થઈ શકાશે નહીં કે પતંગ ચગાવી શકાશે નહીં.
સરકારની સલાહઃ પરિવારજનો સાથે કોરોનાના નિયમોનું પાલન કરીને તહેવારની ઉજવણી કરવામાં આવે.
સરકારની સલાહઃ 65 વર્ષ કરતા વધુ ઉંમરની સાથે કોમોરિબિડિટીઝ ધરાવતા તેમજ બાળકોને ઘરે રહે.
માસ્ક વગર બિલ્ડિંગ કે ફ્લેટના ધાબા પર એકઠા થવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઈઝર પણ ફરજિયાત રહેશે.
બિલ્ડિંગના રહેવાસીઓ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિઓને ફ્લેટના ધાબા અને રહેણાક સોસાયટીઓના ખુલ્લા મેદાનમાં એકઠા નહીં થવા દેવાય.
ધાબાની સાઈઝ અલગ-અલગ હોવાના કારણે ધાબા પર કેટલા વ્યક્તિ રહી શકે તેની ચોક્કસ સંખ્યા નક્કી થઈ શકે તેમ નથી.
લાઉડ સ્પીકર્સ અને મ્યૂઝિક વગાડી શકાશે નહીં.
1.25 લાખ પરિવારો પતંગ બનાવવાના વ્યવસાયમાં છે તેથી પતંગ ઉડાડવા પર પ્રતિબંધ મૂકીને આવા પરિવારોને અસર પહોંચાડી શકાય નહીં.
ચાઈનિઝ તુક્કલ અને દોરી પર પ્રતિંબધ છે, સાથે જે દોરીમાં કાચનો ઉપયોગ કરવો નહીં, આ ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરવું.
પતંગની ખરીદી કરવા જાઓ ત્યારે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું તેમજ પોલીસને સહયોગ આપવો.
તો અગાઉની ગાઈડલાઈન મુજબના કોરોનાના તમામ નિયમો પાલન કરવાનું રહેશે.
અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા શહેરોમાં જે રાત્રિ કર્ફ્યુ લાગુ કરાયો છે તેનો અમલ કરવાનો રહેશે.
ચોક્કસ અમલીકરણ માટે પોલીસ ગોઠવાશે, સીસીટીવીથી નજર રખાશે તેમજ ડ્રોનનો પણ ઉપયોગ કરાશે.