તાજા સમાચારગુજરાત

ઉત્તરાયણ પહેલા રાજ્યની કેબિનેટ બેઠકમાં લેવાયા 2 મોટા નિર્ણય, ખેડૂતો અને યુવાનો માટે મહત્વની જાહેરાત

488views

આજરોજ બુધવારે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક મળી હતી. જેમાં કેટલાક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. જે પૈકી રાજ્યમાં 6616 અધ્યાપક-શિક્ષક સહાયકોની ભરતી માટે રૂપાણી સરકારે મંજૂરી આપી છે. તેમજ ખેડૂતો પાસેથી તુવેર, રાઈડો અને ચણાની ટેકાના ભાવે ખરીદીની તારીખો અને ભાવ જાહેર કરવામાં આવ્યા છે.

ટેકાના ભાવની જાહેરાત

કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી કે, ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. ટેકાના ભાવનું પેમેન્ટ પણ ખેડૂતોને ચૂકવી આપવામાં આવ્યું છે. જો કોઈને પેમેન્ટ બાકી હશે તો બે ત્રણ દિવસમાં ચૂકવી દેવામાં આવશે.આ સાથે તેમણે કહ્યું કે, 15 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન તુવેરની નોંધણી કરાવી શકાશે. આ નોંધણી ગ્રામ્ય સ્તરે પણ કરી શકાશે. જે બાદમાં જેમણે પોતાની તુવેરની નોંધણી કરાવી હશે તેમની તુવેરની ખરીદી પહેલી ફેબ્રુઆરીથી પહેલી પહેલી મે સુધી કરવામાં આવશે. 105 માર્કેટિંગ યાર્ડ મારફતે 6,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે તુવેરની ખરીદી કરવામાં આવશે.

આ સાથે તેમણે ઉમેર્યું કે, ખેડૂતો ચણાનું ટેકાના ભાવે વેચાણ માટે પહેલી ફેબ્રુઆરીથી 15મી ફેબ્રુઆરી સુધી નોંધણી કરાવી શકશે. જે બાદમાં 16મી ફેબ્રુઆરીથી 16મી મે સુધી ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવશે. ક્વિન્ટલ દીઢ 5,100 રૂપિયાના ભાવે 188 ખરીદી કેન્દ્રો પરથી ચણાની ખરીદી થશે.રાઈડા માટે ખેડૂતો પહેલી ફેબ્રુઆરીથી 15મી ફેબ્રુઆરી સુધી નોંધણી કરાવી શકશે. 16મી ફેબ્રુઆરીથી 16મી જૂન સુધી રાઈડાની ખરીદી ક્વિન્ટલ દીઢ 4,650 રૂપિયાના ભાવે કરવામાં આવશે. આ માટે 99 માર્કેટિંગ યાર્ડ નક્કી કરાયા છે.

રોજગારીલક્ષી જાહેરાત

કેબિનેટ બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધન કરતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે, ગુજરાતમાં 6616 અધ્યાપક-શિક્ષક સહાયકોની ભરતી માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે. આ મંજૂરી અંતર્ગત રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં 2307 જગ્યાઓની ભરતી કરાશે તો ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 3382 શિક્ષણ સહાયકની ભરતી કરાશે.

આ સાથે જ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્યની કોલેજોમાં 927 અધ્યાપકોની ભરતી કરાશે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી મંજૂરી પ્રમાણે ગુજરાતમાં 6616 અધ્યાપક-શિક્ષક સહાયકોની ભરતી અન્વયે અંગ્રેજી વિષયના 624 શિક્ષકો, એકાઉન્ટ વિષયના 446 શિક્ષકો, સમાજશાસ્ત્રના 334 શિક્ષકો, ઇકોનોમીના 276 શિક્ષકો, ગુજરાતી વિષયના 254 શિક્ષકો, ગણિત-વિજ્ઞાનના 1039 શિક્ષકોની ભરતી કરવામાં આવશે.