તાજા સમાચારગુજરાત

ગુજરાતમાં રોજગારી મેળવવી બનશે વધુ સરળ, જાણો ભારતમાં સૌથી પહેલી ગુજરાતની નવતર પહેલ વિશે

269views

આજ રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વામી વિવેકાનંદ જ્યંતિ ‘રાષ્ટ્રીય યુવા દિવસે’ રાજ્યના રોજગાર વાંચ્છુ યુવાઓ માટે રોજગારલક્ષી ઓનલાઇન કોલ સેન્ટર ‘રોજગાર સેતુ’નો પ્રારંભ કરાવ્યો હતો. જે હેઠળ હવે રાજ્યનો કોઇ પણ યુવાન આ કોલ સેન્ટરનો એક કોલ નંબર ૬૩-૫૭-૩૯૦-૩૯૦ ડાયલ કરીને રાજ્યના કોઇ પણ જિલ્લાની અભ્યાસલક્ષી, રોજગારલક્ષી અને સરકારની યુવાલક્ષી સહિતની યોજનાઓની માહિતી મેળવી શકશે.

આ પ્રસંગે સીએમ રૂપાણીએ જણાવ્યું કે, ‘હર હાથ કો કામ હર ખેતકો પાની’નું સૂત્ર સાકાર કરીને દરેક વ્યક્તિને યોગ્ય કામ મળે અને તેના થકી જી.ડી.પી. વધે તે દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે. તથા દરેક યુવાનોને રોજગારી પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી આપણે 12મી જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી ઓનલાઇન ભરતીમેળા પખવાડિયાનું આયોજન કર્યું છે એમ તેમણે ઉમેર્યું હતું. આ ઓનલાઇન ભરતી મેળામાં 25,000 જેટલા યુવાનોને રોજગારીનો અવસર પ્રાપ્ત થશે.

આ સાથે સીએમ રૂપાણીએ ઉમેર્યું કે, ‘અમારે મન યુવા એ ન્યૂ એઇજડ વોટર નહીં, પરંતુ ન્યૂ એઇજડ પાવર છે’’. યુવાઓની શક્તિ પર નવા ભારતનું નિર્માણ કરવું છે. એટલા માટે રાષ્ટ્રીય યુવા દિવસથી આ અભિયાનની શરૂઆત કરીને યુવા પેઢીને રોજગાર અવસરથી સજ્જ કરી તેને એમ્પાવર્ડ-સશક્ત બનાવવાની દિશા લીધી છે. તેમજ રાજ્યના શ્રમ રોજગાર વિભાગના રોજગાર તાલીમ નિયામક કચેરી દ્વારા આ નવતર પહેલ સાથે મુખ્યમંત્રીશ્રીએ ઓનલાઇન ભરતી મેળા પખવાડીયું (૧ર જાન્યુઆરીથી રપ જાન્યુઆરી)નો પણ પ્રારંભ કરાવ્યો હતો.