દેશ

ખેડૂતોના નામે પોતાના વૈચારિક ‘અન્નદાતા’ માટે પ્રોક્સીવોર લડી રહેલી પાર્ટીઓનો આવો રહ્યો છે ભૂતકાળ

86views

ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે ચીને 1962માં ભારત પર હુમલો કર્યો તે સમયે ડાબેરીઓનો એક મોટો વર્ગ આપણા દેશના બદલે દુશ્મન દેશના સમર્થનમાં ઉભો થયો હતો. ખેડૂતોના ખભે બંદૂક રાખીને આંદોલનની આગ ભડકાવવાની કોશિશ કરી રહેલા નક્સલી વિચારધારાની આ જમાત આજે ફરીથી એ જ કામ કરી રહી છે. જેનાથી દેશનો સૌથી મોટો દુશ્મન ચીન તેની મજા લઈ રહ્યો છે. ખેડૂત આંદોલનની આડમાં ડાબેરીઓની મેલી મુરાદ શું છે તેના વિશે જાણવા જરાક ઈતિહાસમાં ડોકિયું કરવું પડે. વાત છે સરદાર વલ્લભભાઈ પટેલની. પોતાની દ્રઢ ઈચ્છા શક્તિ અને ભવિષ્યને સ્પષ્ટ રીતે જોવાની ક્ષમતાને કારણે સરદાર પટેલની ગણના ભારતીય રાજનીતિમાં સૌથી દૂરંદેશી ધરાવતા વ્યક્તિ તરીકે થાય છે. તેમના વ્યક્તિત્વની ખાસિયત એ છે કે તેમણે ન માત્ર સાડા પાંચસોથી વધારે દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરાવ્યુ પરંતુ ચીનથી સતર્ક રહેવાની ભારતને સલાહ પણ આપી હતી.

• સરદાર પટેલની વાત નહીં માનીને નહેરુએ મોટી ભૂલ કરી
સરદાર પટેલના નિધનના સાત દાયકા પછી પણ તેમણે આપેલી સલાહ વર્તમાન સમયમાં વધારે પ્રાસંગિક છે. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરએ સરદાર સાહેબની સલાહ પર ધ્યાન ન આપ્યું અને તેની કિંમત દેશે 1962માં શરમજનક હારના રૂપમાં ચૂકવવી પડી. સરદાર પટેલે 1950માં નહેરુને લાંબો પત્ર લખીને ચીન મામલે ચેતવ્યા હતા. પરંતુ એ સમયે નહેરુએ સરદાર પટેલની વાતને ગંભીરતાથી લીધી નહી. હવે સમય આવી ગયો છે કે સરદાર પટેલની અન્ય સલાહો પર પણ ધ્યાન અપાય. સરદાર પટેલે ડાબેરીઓની વિનાશકારી પ્રવૃત્તિઓ વિશે અગાઉથી જ સાવચેત રહેવાની સલાહ આપી હતી. આઝાદી પછી તરત જ તેલંગાણામાં વર્ગ વિગ્રહના નામે ડાબેરીઓએ અસ્થિરતા ઉભી કરવાની શરૂઆત કરી દીધી હતી. ડાબેરીઓની મેલી મુરાદ વિશે સરદારને પહેલાથી જ અંદાજો આવી ગયો હતો અને એટલે જ તેમણે ખૂબ જ ચતૂરાઈપૂર્વક આંદોલનનો અંત આવી લીધો.

• ચીનનો રાગ ગાઈને બની ગઈ રાજકીય પાર્ટી
ડાબેરીઓની દેશ વિરોધી ગતિવિધીઓ અને કૃત્યો વિશે દેશને એ પણ સમયે પણ અંદાજો આવી જ ગયો જ્યારે 1962મા ચીનની સાથે સમયે દૂશ્મન દેશ ચીનને પોતાનું ખુલ્લુ સમર્થન આપવામાં ડાબેરીઓનો એક મોટો વર્ગ લાગી ગયો. એટલું ખુલ્લુ સમર્થન હતું કે ચીનની આંગળી પકડીને ચાલતા ચાલતા એક આખી પાર્ટી જ અસ્તિત્વમાં આવી ગઈ. એ પાર્ટી એટલે જૂની સીપીઆઈથી અલગ થયેલી સીપીઆઈએમ – કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા(માર્ક્સવાદી).

• યુપીએ સરકારમાં ચાલી ડાબેરીઓની મનમાની
ખેડૂત આંદોલનની આડમાં આ જ સીપીએમની આગેવાની હેઠળના ડાબેરી ઝૂંડો પોતાના રાજકીય રોટલા શેકવામાં લાગેલા છે. આ આંદોલનની આડમાં રાજધાની દિલ્હી સહિત દેશને અસ્થિર બનાવવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. ડાબેરીઓના ધમપછાડા એટલા માટે પણ થઈ રહ્યા છે કે રાજસત્તાનું પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ સુખ તેમના હાથમાંથી સરકી રહ્યું છે. એક પછી એક ડાબેરીઓના ગઢ નેસ્તનાબૂદ થઈ રહ્યા છે. ક્યારેક કોંગ્રેસ વિરોધના નામે રાજનીતિ કરનારા ડાબેરીઓએ સુવિધાઓ લાલચે તેમની સાથે મળીને સત્તાનો સ્વાદ ચાખ્યો. જેનું ઉદાહરણ યુપીએ શાસન છે. જ્યારે 2004થી 2009 વચ્ચે ડાબેરીઓના ઈશારે મનમોહન સિંહની સરકાર કઠપૂતળીની જેમ નાચતી રહી.

• અસ્તિત્વ ટકાવી રાખવા ડાબેરીઓના ધમપછાડા
પરંતુ જ્યારથી 2014માં કેન્દ્રમાં મોદી સરકાર અસ્તિત્વમાં છે ત્યારથી ડાબેરીઓ પોતાનુ અસ્તિત્વ ટકાવી રાખવા ધમપછાડા કરી રહ્યા છે. જે સંસ્થાઓ દાયકાઓ સુધી ડાબેરીઓનો અડ્ડો બની ચૂકી હતી ત્યાંથી એક એક કરીને તેમને બહાર કાઢાઈ રહ્યા છે. આ સ્થિતિ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીથી લઈને આઈસીસીઆર સુધી તમામ જગ્યાએ છે. આ જ કારણ છે કે ડાબેરીઓ અકળાયા છે અને મોદી સરકારને અવારનવાર ટાર્ગેટ કરે છે. જોકે ડાબેરીઓ માટે મુશ્કેલી એ છે કે મોદી સરકાર તેમને એક પણ તક આપતી નથી. મોદી સરકારની નીતિઓના કેન્દ્રમાં ગરીબો, પછાતો અને શોષિતો છે જેને પોતાની વોટ બેન્ક ગણતા ડાબેરીઓ હવે આ વોટબેન્ક ગુમાવવાથી ભારે આઘાતમાં સરી પડ્યા છે. મોદી સરકારમાં ગરીબો, પછાતો અને શોષિતો બેનિફીશયરી ક્લાસમા કન્વર્ટ થઈ ચૂક્યા છે. આ વર્ગને ફાયદો મળ્યો છે ઘરથી લઈને ગેસ સુધી. આ વર્ગના લોકો મોદી સરકાર સાથે એકાકાર થઈ રહ્યા છે જેનું તાજુ ઉદાહરણ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળ્યું.

• ખેડૂતોના નામે હિંસક આંદોલન
ડાબેરીઓ જેમની ઓળખ ભારતમાં નક્સલી હિંસા તરીકે થાય છે તેઓ સતત હિંસક અને ઉગ્ર બની રહ્યા છે. ખેડૂતોના ખભા પર બંદૂક રાખીને તેઓ પોતાની હિંસક પ્રવૃત્તિઓને આગળ વધારી રહ્યા છે. એ જ કારણ છે કે ક્યાંક મોબાઈલ સેવાના ટાવર તોડાઈ રહ્યા છે તો ક્યાંક દૂકાનોમાં તોડફોડ અથવા તો રસ્તાઓ જામ કરાઈ રહ્યા છે. આવા લોકોના ભડકાઉ ભાષણઓ અને કારનામાઓ છત્તા પણ દેશના મોટાભાગના ખેડૂતો તેમની તરફ ધ્યાન આપતા નથી. ખેડૂતો પોતાની ખેતી અને ગૃહસ્થીમાં લાગેલા છે.

• ચીન તરફથી પ્રોક્સીવોરમાં લાગ્યા એજન્ટો
જેવી રીતે પાકિસ્તાન સતત ત્રણ સીધા યુદ્ધમાં પછડાટ ખાધા પછી પ્રત્યક્ષ યુદ્ધના બદલે પ્રોક્સી વોરનો સહારો લઈ રહ્યું છે તેવી જ રીતે ડોકલામથી લઈને લદ્દાખ સુધી ભારત સરકાર અને સેનાએ અપનાવેલા કડક વલણને જોઈને ચીને પણ આ જ રસ્તો અપનાવ્યો છે. ચીન તરફથી ભારતમાં પ્રોક્સી વોરમાં લાગી ગયા છે એ નેતાઓ, એ બુદ્ધિજીવીઓ અને સમાજ સેવાની આડમાં ધંધો કરતી ટોળકીઓ. જેની કમર મોદી સરકારે તોડી નાંખી છે ફેમા સંબંધી કડક કાયદાઓ બનાવીને. આવા તત્વોને વિદેશથી પોતાના બદઈરાદાઓને પાર પાડવા માટે નાણાં મેળવવા મુશ્કેલ બની ગયા છે.

• પાર્ટીઓનું મિશન છે પંજાબ વિધાનસભાની ચૂંટણી
ડાબેરીઓનો ઈરાદો દિલ્હીને પોતાની પકડમાં લેવાનો હતો પરંતુ મોદી સરકારની સતર્કતાથી ડાબેરીઓના ઈરાદા પર પાણી ફરી વળ્યું. એવામાં દિલ્હીની બહાર રસ્તાઓ પર ઘરણા કરતા લોકો ખેડૂતોને ભડકાવવામાં લાગી ગયા છે. દૂર્ભાગ્યની વાત એ છે કે પોતાના સ્વાર્થ માટે ખાસ કરીને પંજાબમાં થનારી વિધાનસભા ચૂંટણીને જીતવાની મહેચ્છા રાખનારી પાર્ટી પછી તે અકાલી દળ હોય કે પછી આમ આદમી પાર્ટી કે પછી પંજાબમાં સત્તારૂઠ કોંગ્રેસ. આ તમામ એક બીજાથી આગળ નિકળવાની લ્હાયમાં ખેડૂત આંદોલને હવા આપી રહ્યા છે. આ તમામ પાર્ટીઓ એક સમયે કૃષિ સુધારાઓની વાતો કરતી હતી. એપીએમસી વ્યવસ્થાની સમીક્ષા કરવાનો અવાજ આવી જ પાર્ટીઓએ ઉઠાવ્યો હતો પરંતુ આ કામ મોદી સરકારે કરી દીધું એટલે વિપક્ષી પાર્ટીઓના પેટમાં તેલ રેડાયું છે.

• ચીનને ટક્કર આપતી કંપનીઓની સંપત્તિ ડાબેરીઓના નિશાને
ભૂતકાળમાં ચીનની જય જયકાર કરનારા પક્ષો ચીનનું કામ ભારતની અંદર રહીને કરી રહ્યા છે. ભારતની જે મોટી કંપનીઓ ચીનના ટેલિકોમથી લઈને રીટેલ અને પ્રોડક્શનથી લઈને ટેકનોલોજીને પડકાર આપી રહી છે એના પર જ ખેડૂત આંદોલનની આડમાં હુમલાઓ થઈ રહ્યા છે. તેમની વિરોધ માહોલ બનાવાઈ રહ્યો છે. તેમની સંપત્તિઓને નુકસાન પહોંચાડાઈ રહ્યું છે. મોદી સરકારનું આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન જલ્દીથી સાકાર થઈ જશે તો પછી ચીનનું શું થશે. તેના હાથમાંથી એક મોટુ બજાર જતું રહેશે. વૈશ્વિક રાજનીતિમાં પડકાર વધી જશે. કોરોનાના સમયમાં એક તરફ ચીન સૌથી મોટા ખલનાયકની ભૂમિકામાં છે તો બીજી તરફ ભારત સૌથી મોટા મદદગારની ભૂમિકા સામે આવ્યું છે.

• દેશવાસીઓ જોઈ રહ્યા છે ડાબેરીઓનો તમાશો
સરદાર પટેલે જે સલાહ આપી હતી તેના પર સાત દાયકા પહેલા નહેરુએ ધ્યાન આપ્યું નહી પરંતુ મોદી સરકાર તેના પર પુરે પુરો અમલ કરી રહી છે. પછી તે ચીન હોય કે સામ્યવાદી એજન્ટો હોય કે ખેડૂત આંદોલનની આડમાં હિંસા ફેલાવવાની કોશિશ કરનારાઓ પર કાબુ મેળવવાનો હોય. પીએમ મોદી માટે આ સ્થિતિ નવી નથી. ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી છેલ્લા બે દાયકામાં નરેન્દ્ર મોદીને આવા આંદોલનોનો સામનો કેવી રીતે કરવો તેની આદત પડી ગઈ છે. આથી જ ગિન્નાયેલું ડાબેરી ઝૂંડ હિંસા પર ઉતરી આવ્યું છે. જોકે એ વાત હકિકત છે કે દેશ આ તમામ જોઈ રહ્યો છે. મોટાભાગના ખેડૂતો પણ પોતાની ખેતીના કામમાં લાગેલા છે અને તેઓ પણ આ તમાશો જોઈ રહ્યા છે. યોગ્ય સમયે આ હિંસક વિચારધારા રાખનારાઓને પાઠ ભણાવશે જેવું છેલ્લા કેટલાક વર્ષોથી સતત જોવા મળી રહ્યું છે.