દેશ

UNને સંબોધનમાં પીએમ મોદીની સ્પષ્ટ વાત, કહ્યું ‘સંયુક્ત રાષ્ટ્રના બંધારણમાં બદલાવ એ સમયની માંગ છે’

283views

સંયુક્ત રાષ્ટ્રના સત્રને વીડિયો કોન્ફરન્સથી સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ભારતને એ વાતને ગર્વ છે કે તે સંયુક્ત રાષ્ટ્રના સંસ્થાપક દેશોમાંથી એક છે. પરંતુ હવે સંયુક્ત રાષ્ટ્રના બંધારણ, સ્વરૂપ અને વ્યવસ્થામાં બદલાવ લાવવો એ સમયની માંગ છે. પીએમ મોદીએ આ નિવેદન સાથે ભારતનો પક્ષ સંયુક્ત રાષ્ટ્રમાં વધુ મજબૂત બને તે તરફ ઈશારો કર્યો. તેમણે કહ્યું કે ભારતના લોકો સંયુક્ત રાષ્ટ્રના રિફોર્મને લઈને ચાલી રહેલી પ્રક્રિયા પૂરી થવાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. ભારતના લોકો ચિંતિત છે કે શું આ પ્રક્રિયા તાર્કિક પરિણામ સુધી પહોચશે કે કેમ. આખરે ક્યાં સુધી ભારતને સંયુક્ત રાષ્ટ્રના ડિસીઝન મેકિંગ સ્ટ્રક્ચરથી અલગ રાખવામાં આવશે.

ભારત એ એવો દેશ છે કે જે દૂનિયાનો સૌથી મોટો લોકતંત્ર ધરાવતો દેશ છે. એક એવો દેશ કે જ્યાં વિશ્વની 18 ટકાથી વધારે જનસંખ્યા રહે છે. જે દેશમાં થઈ રહેલા પરિવર્તનનો પ્રભાવ દૂનિયામાં મોટા હિસ્સા પર પડે છે આખરે એ દેશને ક્યાં સુધી રાહ જોવી પડશે. પીએમ મોદીએ કહ્યું કે ભારત સમગ્ર વિશ્વને એક પરિવાર તરીકે જૂએ છે. જે અમારી સંસ્કૃતિ, સંસ્કાર અને વિચારનો ભાગ છે. સંયુક્ત રાષ્ટ્રમાં પણ ભારતે હંમેશા વિશ્વ કલ્યાણને જ પ્રાથમિક્તા આપી છે.

કોરોના મહામારીના સંકટમાં પણ ભારતની ફાર્માસ્યુટિકલ કંપનીઓએ દૂનિયાના 150થી વધુ દેશોને દવાઓ મોકલી છે. ભારતની વેક્સિન પ્રોડક્શન અને વેક્સિન ડીલીવરીની ક્ષમતા સમગ્ર માનવતાને કોરોના સંકટમાંથી બહાર નિકાળવા માટે ઉપયોગી સાબિત થશે. ભારતનો માર્ગ જનકલ્યાણથી જગકલ્યાણનો છે. ભારતનો અવાજ હંમેશા શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિ માટે ઉઠશે. પીએમ મોદીએ કહ્યું કે માનવીય મુલ્યોના દૂશ્મન એવા આતંકવાદ, હથિયારોની દાણચોરી, ડ્રગ્સ, મનીલોન્ડરીંગ જેવા દૂષણો સામે ભારતનો અવાજ સદાય ઉઠતો રહેશે.

કોરોના મહામારી વચ્ચે સર્જાયેલી પરિસ્થિતિઓ વચ્ચે દેશ આત્મનિર્ભર ભારતના વિઝનને લઈને આગળ વધ્યો છે. આત્મનિર્ભર ભારત અભિયાન વૈશ્વિક અર્થતંત્ર માટે પણ મહત્વનું સાબિત થશે.