તાજા સમાચારદેશ

PM મોદીના સંસદીય વિસ્તારના શિવાંગી બન્યા રાફેલના પ્રથમ મહિલા પાયલટ

168views

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીએ વધુ એક સિદ્ધિ મેળવી. ફાઈટર વિમાન રાફેલની સ્ક્વોડ્રન ગોલ્ડન એરોમાં પ્રથમ મહિલા પાયલટ લેફ્ટેનન્ટ વારાણસીના શિવાંગી સિંહ સામેલ થયા છે. વારાણસીના ફુલવરિયા સ્થિત શિવાંગીના ઘરે પાડોશના બાળકો અને લોકો ભેગા થયા અને પરિવાર સાથે ખુશી ઉજવી. શિવાંગીની આ સફળતા પર માતા સીમા સિંહે કહ્યું કે પુત્રીએ જે સપનું જોયું હતું તે પૂરું કર્યુ છે.

શિવાંગીનું પોસ્ટિંગ હાલ રાજસ્થાનમાં છે. શિવાંગીના બાળપણ અંગે માતાએ જણાવ્યું કે તે શરૂઆતથી જ ભણવામાં હોશિયાર હતી. પ્રાથમિક શિક્ષણ બાદ ઉચ્ચ શિક્ષણ માટે બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ માટે ગઈ હતી. એક મહિનાની તાલિમમાં ક્વોલિફાય કર્યા બાદ હવે તે રાફેલ ટીમનો ભાગ બની છે.

કુમારેશ્વર સિંહે જણાવ્યું કે પુત્રીએ માન વધાર્યુ છે. પિતાએ જણાવ્યું કે એક દિવસ પહેલા જ પુત્રી સાથે વાત થઈ અને જાણકારી મળી. પુત્રી પર અમને ગર્વ છે. તે અન્ય પુત્રીઓ માટે એક દ્રષ્ટાંત બની છે. જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ ગણાવતા તેમણે કહ્યું કે હવે બસ પુત્રીને રાફેલ ઉડાવતી જોવાનું સપનું છે. તે પણ પૂરું થશે. શિવાંગીના માતા સીમા સિંહ ગૃહિણી છે અને ભાઈ મયંક બનારસમાં 12માં ધોરણનો વિદ્યાર્થી છે.