તાજા સમાચારદેશ

બેનામી નાણાંકીય વ્યવહારોને ડામવા મોદી સરકારની કારગત થતી રણનીતિ, છેલ્લાં ત્રણ વર્ષમાં 3,82,581 શેલ કંપનીઓ બંધ

170views

શેલ કંપનીઓની ઓળખ કરવા અને બંધ કરવા માટે સરકારે એક વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. જેમાં સતત બે વર્ષ કે તેથી વધુ સમય સુધી ફાયનાન્સિયલ સ્ટેટમેન્ટ ફાઈલ થયા ન હોય તેના આધારે આવી કંપનીઓની ઓળખ કરાઈ છે. કંપની એક્ટ, 2013ની કલમ 248 હેઠળ તથા કંપનીઝ એક્ટ 2016 હેઠળ આવી કંપનીઓનાં નામોને રજિસ્ટર ઓફ કંપનીઝમાંથી દૂર કરાયા છે. કેન્દ્રમાં રાજ્યકક્ષાના નાણાં પ્રધાન અનુરાગસિંહ ઠાકુરે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં 3,82,581 કંપનીઓને બંધ કરાઈ છે.

પ્રતિ દિવસ બંધ થતી 350 શેલ કંપનીઓ

ત્રણ વર્ષમાં 3,82,581 કંપનીઓ બંધ થઈ તેની ગણતરી કરીએ તો ત્રણ વર્ષમાં 1,095 દિવસ દિવસ હોય એટલે કે પ્રત્યેક દિવસે 350 શેલ કંપનીઓ બંધ થઈ રહી છે. અને તેને કલાકના આધારે ગણતરી કરીએ તો પ્રતિ કલાકે 14થી વધારે શેલ કંપનીઓ બંધ થઈ રહી છે.

શેલ કંપની એટલે શું?

“શેલ કંપની” શબ્દ કંપની એક્ટ હેઠળ વ્યાખ્યાયિત નથી. તે સામાન્ય રીતે સક્રિય વ્યવસાયિક કામગીરી અથવા નોંધપાત્ર સંપત્તિ વિનાની કંપનીના સંદર્ભમાં છે, જેનો કેટલાક કિસ્સામાં ગેરકાયદેસર હેતુ જેમ કે કરચોરી, મની લોન્ડરિંગ, માલિકીની અસ્પષ્ટતા, બેનામી સંપત્તિઓ વગેરે માટે ઉપયોગ થાય છે. “શેલ કંપની”ના કેસની તપાસ માટે સરકારે રચેલી સ્પેશિયલ ટાસ્ક ફોર્સે શેલ કંપનીઓને ઓળખવા માટે અને ચેતવણી રૂપે કેટલાક *રેડ ફ્લેગ સૂચકાંકને8 ઉપયોગમાં લઈને કેટલીક ભલામણો કરી છે.

શેલ કંપનીઓ સામાન્ય કંપનીની જેમ કામ નથી કરતી. આવી કંપનીઓ માત્ર વ્હાઈટ મનીને બ્લેક કરે છે એટલે કે કાળાનાણાંનું જ કામ કરે છે. એક તપાસમાં બહાર આવ્યું છે કે શેલ કંપનીઓના રજિસ્ટર્ડ ઓફિસના સરનામે બીજી કંપનીઓ ચાલે છે એટલે સરનામા ખોટા છે. કાગળ પર બોગસ કંપનીઓ ઉભી કરાઈ છે. સરનામા સાચા હોય તો 10 બાય 10ની ઓફિસમાં આવી કંપનીઓ ઓપરેટ થતી હોય છે. કંપની રજિસ્ટ્રારમાં પણ આવી કંપનીઓની નોંધણી થયેલી હોય છે.