તાજા સમાચારદેશ

રવિવારે રાજ્યસભામાં રજૂ થશે કૃષિ સુધાર બિલ 2020, જાણો કોનું પલડું ભારે ?

135views

કૃષિ સુધાર બિલ 2020 રવિવારે રાજ્યસભામાં રજૂ થવા જઈ રહ્યું છે. જોકે આ બિલ રાજ્યસભામાંથી પસાર કરાવવું મોદી સરકાર માટે થોડુક મુશ્કેલ જણાઈ રહ્યું છે. આ બિલને લઈને એનડીએના સૌથી જૂના સાથીદાર અકાલી દળના વિરોધથી સરકારને ગૃહની અંદર અને બહાર વિપક્ષના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે સરકારની કોશિશ એ જ રહેશે કે કોઈ પણ કિંમતે ખેડૂતલક્ષી આ બિલ પસાર થાય.

ખેતી સાથે જોડાયેલા ત્રણેય બિલને રાજ્યસભામાં પસાર કરાવવાને લઈને મોદી સરકારે વિશેષ રણનીતિ ઘડી છે. ભાજપે પોતાના સાંસદો માટે વ્હીપ જાહેર કર્યું છે. તેમજ વિપક્ષી પાર્ટીઓને પણ આ બિલના સમર્થનમાં લાવવા માટે કેન્દ્રના મોટા મોટા વાતચીતનો દોર આગળ વધારી રહ્યા છે. સુત્રોના મતે રાજનાથસિંહને શિવસેના અને એનસીપીના નેતાઓ સાથે ફોન પર વાત કરીને ખેડૂત કલ્યાણ માટેના આ બિલને સમર્થન કરવાની અપીલ કરી છે. જોકે એ વાત પણ હકિકત છે કે સંસદના ઉપલાગૃહ એટલે કે રાજ્યસભામાં સરકાર પાસે સ્પષ્ટ બહુમતનો આંકડો નથી. જોકે આ ત્રણેય બિલ રાજ્યસભામાંથી પસાર થઈ જશે તેવો સરકારને પૂર્ણ વિશ્વાસ છે.

રાજ્યસભાના ગણિત પર નજર કરીએ તો 245 સભ્યો ધરાવતી રાજ્યસભામાં ભાજપ 86 સાંસદો સાથે સૌથી મોટી પાર્ટી છે. જોકે વર્તમાન સમયમાં રાજ્યસભામાં 9 સીટો ખાલી છે. રાજ્યસભામાંથી આ બિલ પસાર કરાવવા સરકારને ઓછામાં ઓછા 122 વોટની જરૂર પડશે. અકાલી દળના વિરોધ બાદ સરકારને વિશ્વાસ છે કે બીજુ જનતા દળના 9, એઆઈએડીએમકેના 9, ટીઆરએસના 7 અને વાયએસઆર કોંગ્રેસના 6, ટીડીપીના 1 અને કેટલાક અપક્ષ સાંસદો આ બિલનું સમર્થન કરી શકે છે. આ એવી પાર્ટીઓ છે કે જે ન તો એનડીએ સાથે છે ન તો યુપીએ સાથે. વિશ્વસનીય સુત્રો તરફથી મળતી માહિતી અનુસાર આ બિલના સમર્થનમાં 133 વોટ પડે તેવી સંભાવના છે.

વિપક્ષની વાત કરીએ તો કોંગ્રેસ 40 સભ્યો સાથે રાજ્યસભામાં બીજી સૌથી મોટી પાર્ટી છે. શિરોમણી અકાલી દળના 3 સાંસદો પણ આ બિલના વિરોધમાં વોટિંગ કરશે. જ્યારે આમ આદમી પાર્ટીના 3, સમાજવાદી પાર્ટીના 8, બીએસપીના 4 સાંસદો પણ બિલનો વિરોધ કરશે. એક અંદાજ મુજબ 100 સાંસદો બિલના વિરોધમાં વોટિંગ કરી શકે છે. જોકે કેટલાક નાના પક્ષોએ આ મુદ્દે પોતાના પત્તા ખોલ્યા નથી અને રાજ્યસભામાં આવા સાંસદોની સંખ્યા ડઝનથી વધારે છે.