તાજા સમાચારદેશ

મહામારીની સ્થિતિમાં આરોગ્યકર્મીઓની સુરક્ષાને વધુ સુનિશ્ચિત કરતી મોદી સરકાર

127views

રાજ્યસભામાં શનિવારે મહામારી રોગ (સંશોધન) બિલ 2020ને પાસ કરી દેવાયું. કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધનને આ બિલ રાજ્યસભામાં રજૂ કર્યુ જેના પર ચર્ચા બાદ બિલને મંજૂરી મળી ગઈ છે. ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં દેશમાં સ્વાસ્થ્ય કર્મચારીઓ પર થયેલા હુમલાની ઘટનાઓને પગલે સરકારે કાયદામાં સુધારો કરવાનું નક્કી કર્યુ હતુ. જેના માટે મહામારી રોગ અધિનિયમ ,1897માં સંશોધન કરવા સરકારે અધ્યાદેશ રજૂ કર્યો હતો. જેને કાયદાકીય સ્વરૂપ આપવા મહામારી રોગ (સંશોધન) બિલ 2020 બિલ લવાયું હતું તેને રાજ્યસભાએ મંજૂર કર્યું છે.

આ બિલ હેઠળ કોવિડ કોવિડ-19 વિરુદ્ધની લડાઈ હોય કે અન્ય કોઈ પણ મહામારીની સ્થિતિમાં સ્વાસ્થ્ય કર્મીઓ પર હુમલો કરનારાઓને પાંચ વર્ષની સજાની જોગવાઈ કરાઈ છે. આ બિલ એ વાત સુનિશ્ચિત કરે છે કે વર્તમાન મહામારી જેવી કોઈ પણ સ્થિતિ દરમ્યાન સ્વાસ્થ્યકર્મીઓ વિરુદ્ધ હિંસા કે સંપત્તિને નુકસાન પહોચાડશે તો હિંસા કરનારા તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરાશે. સ્વાસ્થ્યકર્મીઓ ઉપરાંત એવા વ્યક્તિઓને પણ આ બિલ હેઠળ સામેલ કરાયા છે કે જેઓ મહામારીના સંક્રમણે રોકવાના ઉપાય કરવામાં સક્ષમ હોય. બિલમાં જણાવાયું છે કે આવા કેસોનું એક વર્ષમાં નિરાકરણ લાવીને હિંસા કરનારાઓને ત્રણ મહિનાથી લઈને પાંચ વર્ષ કેદ અને 50,000 રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.

સ્વાસ્થ્ય પ્રધાન ડૉક્ટર હર્ષવર્ધને બિલ પર ચર્ચા દરમ્યાન રાજ્યસભાને જણાવ્યું કે કોરોના મહામારી દરમ્યાન ડોક્ટર્સ અને પેરામેડિકલ સહિત સ્વાસ્થ્યકર્મીઓને અનેક જગ્યાએ અપમાનનો સામનો કરવો પડ્યો. મોદી સરકાર સ્વાસ્થ્યકર્મીઓની સુરક્ષા માટે કાયદામાં જરૂરી બદલાવ માટે આ બિલ લાવી છે. હવે આ બિલને કાયદાનું સ્વરૂપ મળતા સ્વાસ્થ્યકર્મીઓ પર હુમલો કરનારા કે તેમને અપમાનિત કરનારાઓને કડકમાં કડક સજા થશે.