ગુજરાત

આરોગ્યપ્રધાન કુમાર કાનાણીને ટાર્ગેટ કરવા સુનિતા યાદવનો મહોરા તરીકે ઉપયોગ કરાયો, પડદા પાછળના ખેલાડીઓનો અસલી ચહેરો થયો બેનકાબ

8.59Kviews

• સુરતમાં ઓપરેશન કુમાર કાનાણી પાછળના અસલી ચહેરાઓ
• સુનિતા યાદવનો મહોરા તરીકે ઉપયોગ થઈ ગયો
• મંત્રીઓને ટાર્ગેટ કરવા હાથો બનતા લોકો માટે આંખ ઉઘાડનારો કિસ્સો
• મહિલા પોલીસકર્મીઓનો ઉપયોગ કરીને વિવાદ ઉભો કરવાનું આયોજનબદ્ધ ષડયંત્ર

સુરતમાં આરોગ્યપ્રધાન કુમાર કાનાણીના પુત્રને ટાર્ગેટ કરવાના પ્રકરણમાં એક પછી એક નવા ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. જે દ્રશ્યો અને ફોટાએ સામે આવ્યા છે તેને જોતા તો એવું જ લાગે છે કે મહિલા પોલીસ કોન્સ્ટેબલ સુનિતા યાદવનો માત્ર મહોરા તરીકે ઉપયોગ કરાયો પડદા પાછળના ખેલાડીઓનો અસલી ચહેરો હવે સામે આવ્યો છે. હકિકતમાં ઓપરેશન કુમાર કાનાણી પાછળ આમ આદમી પાર્ટીનો હાથ છે.

સુરતમાં આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતા ઘનશ્યામ અણઘણ અને સુનિતા યાદવ વચ્ચે કનેક્શનના સચોટ પુરાવાઓ સામે આવ્યા છે.

ઉપરની તસવીરમાં જોઈ શકાય છે કે આમ આદમી પાર્ટીની ટોપી પહેરેલો ઘનશ્યામ છે જ્યારે બીજા ફોટામાં તે સુનિતા યાદવ સાથે રસ્તા વચ્ચે સેલ્ફી લેતો જણાય છે. ઘનશ્યામની સાથે એક પીળી ટી શર્ટ પહેરેલો વ્યક્તિ પણ બન્નેના ફોટા પાડે છે. ત્રણેય એકબીજાને ઓળખતા હોય તેવી રીતે તેમની વચ્ચે વાતચીતનો દૌર આગળ વધે છે.

હવે જરા ઉપરનો વીડિયો જોશો તો ખ્યાલ આવશે તે સુરતમાં એક જગ્યાએ આ ત્રણેયની મુલાકાત થાય છે. આમ આદમી પાર્ટીનો ઘનશ્યામ અણઘણ સુનિતાને સફેદ કલરની કાર આપે છે. આ દરમ્યાન ત્રણેય વચ્ચે કોઈક મુદ્દાને લઈને વાતચીત થાય છે. સુનિતા જે રીતે આ બન્ને સાથે વાત કરે છે તેને જોતા લાગે છે કે તે આ વ્યક્તિઓને પહેલા પણ મળી ચૂકી છે અને સારી રીતે જાણે છે. જે પ્રકારની સુનિતાની બોડી લેગ્વેજ છે તેનાથી એટલુ તો સ્પષ્ટ થઈ જાય છે સુનિતા અને ઘનશ્યામ બન્ને એક બીજાને ઓળખે છે. સુત્રોના મતે આમ આદમી પાર્ટી તરફથી સુનિતાનો સંપર્ક કરાયો હતો અને બાદમાં તેને ઓપરેશન કુમાર કાનાણીમાં સામેલ કરાઈ હતી. આ ત્રણેય વ્યક્તિઓને ખ્યાલ આવી જાય છે કે તેમની પાછળ કોઈક છે અને કોઈક તેમનો પીછો કરે છે જેથી ત્રણેય જણા ત્યાંથી ફટાફટ નીકળી જવાનું નક્કી કરે છે. થોડીક મિનિટોમાં પીળી ટી શર્ટવાળો વ્યક્તિ સફેદ કલરની ગાડીમાં ડ્રાઈવરની સીટ પર બેસે છે અને પાછળ સુનિતા પણ બેસી જાય છે. સફેદ ગાડીની પાછળ પાછળ ઘનશ્યામ પણ તેની ગાડી લઈને તેઓની પાછળ નિકળી જાય છે.

કુમાર કાનાણીના પુત્રને ટાર્ગેટ કરીને રાતોરાત લાઈમલાઈટમાં આવી ગયેલી સુનિતાએ હવે શું કરવું અને શું ન કરવું કેવા કપડા પહેરવા અને કેવી રીતે આ મામલાને વધુને વધુ હાઈપ આપવો તે બધુ જ પહેલાથી ગોઠવાઈ ચુક્યું છે. એટલે સુધી કે સુત્રોના મતે તો એવું પણ જાણવા મળ્યું છે કે સુનિતાએ સૈનિકોના કલર જેવા કપડા પહેરવાની પણ સલાહ અપાઈ છે. જો આમ કરે તો લોકોમાં તેની લડાયક મિજાજ ધરાવતી યુવતી તરીકેની ઈમેજ ઉભી થાય. જેથી વધુને વધુ સેન્ટીમેન્ટ ઉભુ કરીને કાનાણીના નામે સરકારને ટાર્ગેટ કરી શકાય.

આ ફોટાઓ અને દ્રશ્યો જેવી રીતે સામે આવ્યા તેવી જ રીતે આમ આદમી પાર્ટી અને સુનિતા યાદવ વચ્ચે થયેલી ડીલ પણ ટૂંક સમયમા જ સામે આવે તો નવાઈ નહી.