ગુજરાત

સાયબર ફ્રોડને ગણતરીના સમયમાં જ ઉકેલી નાંખતું ગુજરાત પોલીસનું સાયબર ક્રાઈમ યુનિટ, જાણો લેટેસ્ટ કેસ સ્ટડી

1.26Kviews

જેમ જેમ ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો છે તેમ તેમ સાયબર અપરાધો પણ વધી રહ્યા છે. જોકેટે ગુજરાતમાં સાયબર ક્રાઈમને નાથવા માટેનું ગુજરાત પોલીસનું સાયબર યુનિટ એક ઢાલ સમાન કામ કરી રહ્યું છે. ગુજરાત માટે ગર્વ લેવા જેવી બાબત છે કે રાજ્યના પ્રત્યેક નાગરિકને સાયબર ક્રાઈમ સામે સુરક્ષા આપવા દેશમાં ગુજરાતમાં પોલીસ દ્વારા સાયબર સુરક્ષાનો અત્યાધુનિક કંટ્રોલ રૂમ 24 કલાક ધમધમી રહ્યા છે.

• સાયબર ક્રાઈમના પ્રકાર
મોબાઇલ, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ દ્વારા ઇન્ટરનેટના માધ્યમ વડે કોઇપણ પ્રકારની લાલચ, છેતરપીંડી, ધાક-ધમકી, નાણાકીય ફ્રોડ, અપમાનજનક ભાષાનો પ્રયોગ, પાસવર્ડ કે અન્ય ડિજિટલ ડેટાની ચોરી કરવી જેવા ગુના સાયબર ક્રાઇમની શ્રેણીમાં આવે છે.

• સાયબર ગુનાનો ભોગ બન્યા બાદ સૌ પ્રથમ શું કરવું ?
જોબ ફ્રોડ, લોટરી ફ્રોડ, કસ્ટમક કેર ફ્રોડ, KYC ફ્રોડ, ઈ- કોમર્સ ફ્રોડ, ડેબિટ- ક્રેડિટ કાર્ડ સંબંધિત સાયબર ફ્રોડ તથા અન્ય કોઈ પણ પ્રકારના સાયબર ફ્રોડ અંગે ગુજરાતનો કોઈ પણ નાગરિક 100 નંબર ડાયલ કરીને તથા સાત નવનિર્મિત જિલ્લાના નાગરિકો 112 નંબર ડાયલ કરીને વિના સંકોચે ફરિયાદ કરી શકે છે. ગુજરાત પોલીસની સાયબર યુનિટની ટેકનિકલ ટીમ દ્વારા ત્વરીત કાર્યવાહી કરી ફરિયાદનું તાત્કાલિક નિવારણ કરાય છે.

• સાયબર પોલીસને સાચી અને પુરતી વિગતો આપવાથી ઝડપથી ગુનાઓ ઉકેલાય
સાયબર ક્રાઈમનો ભોગ બનેલા લોકોના મનમાં ક્યારેક એવો ભાવ ઉભરે છે કે પોતે જે ગુનાનો ભોગ બન્યા છે તેના વિશે બીજાને વાત કરીશું તો કદાત લોકો તેને મૂર્ખની કેટેગરીમાં ગણશે. પરંતુ હકિકતમા જરાય એવું નથી. સાયબર ગઠિયાઓ એટલા ઉસ્તાદ હોય છે કે તેઓ ભલભલા ટેકનિકલ એક્સપર્ટને પણ ચકરાવે ચઢાવી દે છે ત્યાં સામાન્ય માણસની તો વાત જ ક્યાં રહી. જોકે સાયબર ગઠિયાઓની ચાલાકી સાયબર યુનિટની ટેકનિકલ ટીમ આગળ સરન્ડર થઈ જાય છે. કારણ કે ગુજરાત પોલીસનું સાયબર સેલ ટેકનિકલી એટલું સક્ષમ છે કે તે કોઈ પણ ગુનાઓને ઉકેલી શકે છે. પરંતુ આના માટે સૌથી જરૂરી છે કે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા લોકોએ બનાવની સાચી અને પુરતી વિગતો જણાવવી જોઈએ. આમ કરવાથી ગુનાઓ ઝડપથી ઉકેલાઈ જાય છે.

• કેવી રીતે કામ કરે છે સાયબર ક્રાઈમ યુનિટ ?
સાયબરને લગતા અલગ અલગ ગુનાઓ માટે ગુજરાત પોલીસનું સાયબર ક્રાઈમ ઈન્સિડન્ટ રિસ્પોન્સ યુનિટ (IRU) કાર્યરત છે. ધારો કે કોઈ વ્યક્તિના ખાતામાંથી OTP(ONE TIME PASSWARD) વગર જ નાણાં ઉપડી જાય તો તેવી વ્યક્તિ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે તો તેના નાણા પરત આવી શકે છે. જ્યારે પણ વ્યક્તિ સાયબર ગુનાનો ભોગ બને તો પહેલા તરત જ તેણે 100 નંબર પર પોતાની સાથે થયેલા બનાવની જાણ કરવી. આ સમયે 100 નંબરમાંથી વ્યક્તિની માહિતી અને તેની સાથે બનેલા ગુનાની વિગતો સાયબર ક્રાઈમને ટ્રાન્સફર કરાય છે. ત્યારબાદ ગણતરીની મિનિટોમા જ સાયબર ક્રાઈમની ટેકનિકલ એક્સપર્ટની ટીમ ભોગ બનનાર વ્યક્તિ સાથે સંપર્ક કરે છે. આવી વ્યક્તિ સાથે માહિતીના આદાન પ્રદાન માટે સાયબર ટીમમાંથી એક વોટ્સએપ નંબર આવે છે જેના પર બેન્કમાંથી નાણાં ઉપડ્યાના SMSનો સ્ક્રીન શોટ્સ મોકલવાનો હોય છે. ત્યારબાદ સાયબર અશ્વસ્થનું ફોર્મ આવે છે જેમાં વિગતો ભરીને પરત મોકલતા જ સાયબર વિભાગ સક્રિય થઈ જાય છે અને નાણાં કેવી રીતે કપાયા છે તેની તપાસ થાય છે. સાથે જ એક પ્રકારનો ટિકિટ નંબર જનરેટ થાય છે જે નજીકના પોલીસ સ્ટેશનમાં અરજી સાથે આપવાનો હોય છે. પોલીસે જે અરજી સ્વીકારી હોય તેની કોપી બેન્કમાં જમા કરાવવાની હોય છે.

• ઓટીપી વગર જ બેન્ક ખાતામાંથી નાણાં ઉપડી ગયા
તાજેતરમાં જ એક વ્યક્તિ સાથે આવો જ કિસ્સો બન્યો. વાત જાણે એમ છે કે અમદાવાદમા રહેતા રમેશભાઈના(બદલેલું નામ) ખાતામાંથી ચાર દિવસ પહેલા જ કોઈકે 7900 રૂપિયા અચાનક ઉપાડી લીધા. બન્યું એવું કે 29 જૂનની રાત્રે પહેલા 1 રૂપિયો ખાતામાંથી ઉપડ્યાનો મેસેજ આવ્યો બાદમાં તે 1 રૂપિયો પાછો જમા થયો. અને 30 જૂનની તારીખ આવી કે તરત જ ખાતામાંથી 7900 રૂપિયા ઉપડી ગયા. રમેશભાઈએ મેસેજ વાચ્યો અને ચોંકી ઉઠ્યા કે ઓટીપી વગર આ ટ્રાન્ઝેક્શન થયું કેવી રીતે, તેઓએ કોઈને કાર્ડ નંબર કે કાર્ડ આપ્યું નથી તો ખાતામાંથી આટલા રૂપિયા કોણે ઉપાડી લીધા?. બેન્કમાંથી મેસેજ આવ્યો તે વાંચ્યો તો તેમા GOOGLE*PROX-IMA BETA જેવું લખાણ હતુ. એટલે થોડીક ખબર પડી કે આવી કોઈક જગ્યાએથી તેમના ડેબીટ કાર્ડમાંથી નાણાં ઉપડી ગયા. સૌથી પહેલા તો રમેશભાઈ સતર્કતા દાખવીને બેન્કમાંથી આવેલા મેસેજમાં નીચે લખેલા કસ્ટમર કેર નંબર પર ફોન કરીને કાર્ડને બ્લોક કરાવ્યુ સાથે જ ઈન્ટરનેટ બેન્કિંગ પણ કેન્શલ કરાવી દીધુ. આ સમયે તેમને કોલ સેન્ટરમાંથી આગામી સમયમાં ઈન્કવાયરી માટે એક અરજી નંબર લખાવાયો.

• તપાસ માટે જરૂરી છે બેન્ક સ્ટેટમેન્ટ
બીજા દિવસે સવારે તેઓ નજીક બેન્કની શાખામાં ગયા અને પોતાની સાથે થયેલા બનાવની જાણ કરી. જેમા બેન્કે જરૂરી ડોક્યુમેન્ટ પર સાઈન કરાવીને પોલીસ ફરિયાદની કોપી આપવા જણાવ્યું. જોકે 30 જૂને નાણાં ડેબિટ થયા હોવાથી 1 જૂલાઈએ તેનું સ્ટેટમેન્ટ જનરેટ થશે તેવું બેન્કમાંથી જણાવાયુ. જેથી 1 જૂલાઈએ ફરીથી બેન્કમાં જઈને રમેશભાઈ સ્ટેટમેન્ટ મેળવ્યું જેમાં પૈસા ઉપડ્યા ત્યારે થયેલો ટ્રાન્ઝેક્શન નંબર પણ લખાયેલો હતો.

• મોડી ફરિયાદ લખાવી છત્તા પોલીસે ત્વરિત કાર્યવાહી શરૂ કરી
બીજી જૂલાઈએ રમેશભાઈએ 100 નંબર પર ફરિયાદ કરી. જોકે રમેશભાઈનું કહેવું છે કે એક અરજન્ટ સામાજિક જવાબદારી હોવાથી તેઓએ બીજી જૂલાઈએ રાત્રે 9 વાગ્યે પોલીસ કંટ્રોલરૂમ 100 નંબર ડાયલ કરીને રજૂઆત કરી. આટલી મોડી રજૂઆત કરી હોવા છત્તા પણ પોલીસે સહેજ પણ વિલંબ કર્યા વગર ત્વરીત કાર્યવાહી હાથ ધરી. પહેલા તો 100 નંબરમાંથી રમેશભાઈને કેસ નંબર લખાવાયો સાથે જ બે ફોન નંબર પણ આપ્યા. જેમાં જણાવાયુ કે એક નંબર પરથી સાયબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટમાંથી ફોન આવશે અને બીજો નંબર કેસને લગતી ઈન્કવાયરી માટેનો હતો.

• સાયબર યુનિટની ફટાફટ કાર્યવાહી
લગભગ રાત્રે પોણા 10 વાગ્યા આસપાસ રમેશભાઈનો મોબાઈલ ફોન રણક્યો અને એ જ નંબર હતો કે જે પોલીસ કંટ્રોલ રૂમમાંથી લખાવાયો હતો. રમેશભાઈ અને સાયબર સેલના ટેકનિકલ નિષ્ણાંત વચ્ચે વાત થઈ. બનાવની વિગતો મેળવ્યા બાદ સાયબર સેલમાંથી એક વોટ્સએપ નંબર લખાવાયો અને જણાવ્યું કે બેન્ક ખાતામાંથી નાણાં ઉપડ્યા હોય તેના SMSનો સ્ક્રીન શોટ્સ તે નંબર વોટ્સએપ કરવા જણાવ્યું. રમેશભાઈએ બેન્ક SMSનો સ્ક્રીન શોટ્સ લઈને સાયબર ક્રાઈમના યુનિટ દ્વારા જણાવાયેલા નંબર પર વોટ્સએપ કર્યો.

• સાયબર યુનિટમાંથી આવેલા ટિકિટ નંબર સાથે પોલીસમાં અરજી
થોડીવાર પછી રમેશભાઈના વોટ્સએપ પર સાયબર ક્રાઈમમાંથી એક ફોર્મ આવ્યુ. જેને ભરીને તેનો ફોટો પાડીને ફરીથી વોટ્સએપ અને તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટના ફોટા એટેચ કરવા જણાવ્યું. રમેશભાઈએ ફોર્મ ભરીને તેની સાથે બેન્કના જરૂરી પુરાવાના ફોટા પાડીને તેને સાયબર યુનિટના વોટ્સએપ નંબર પર મોકલ્યા. થોડીવાર બાદ રમેશભાઈના મોબાઈલમાં એક મેસેજ આવ્યો જે સાયબર યુનિટમાંથી હતો. તેમાં ટીકીટ નંબર લખલો હતો, ટિકિટ નંબર એટલે એક પ્રકારનો કોડ જ છે. સાયબર યુનિટ માંથી આ ટિકીટ નંબર સાથે નજીકના પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરવા જણાવાયુ.

• સાયબર ક્રાઈમે અશક્યને શક્ય કરી બતાવ્યું
સાયબર યુનિટના જણાવ્યા પ્રમાણે ટિકિટ નંબર સાથે રમેશભાઈએ નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને પોતાની સાથે થયેલી ઘટના અંગે લેખિતમા અરજી આપી. પોલીસે તરત જ અરજી સ્વીકારીને એક કોપી રમેશભાઈને પરત આપી અને બેન્કમાં તે અરજીની કોપી જમા કરાવવા જણાવ્યુ. રમેશભાઈએ બેન્કમાં જઈને કાર્ડ હોલ્ડર ડિસ્પ્યુટ ફોર્મ ભર્યુ અને તેની સાથે પોલીસે આપેલી અરજી પણ જમા કરાવી. ત્યારબાદ થોડા જ સમયમા જે ઘટના બની તેનાથી રમેશભાઈ આશ્ચર્ય ચકિત થઈ ગયા. પોલીસ કંટ્રોલ રૂમમાં આગલી રાત્રે 9 વાગ્યા આસપાસ રજૂઆત કરી હતી કે ખાતામાંથી નાણાં કપાઈ ગયા છે અને બીજા દિવસે સાંજે 4 વાગ્યા આસપાસ જેટલી રકમ ખાતામાંથી કપાઈ હતી તે નાણાં પાછ જમા થઈ ગયા. એટલે કે 7900 રૂપિયા પુરા પાછા આવી ગયા. અશક્ય લાગતી વસ્તુ ગુજરાત પોલીસની સાયબર ક્રાઈમના યુનિટે શક્ય કરી બતાવી. જો રમેશભાઈએ તાત્કાલિક ફરિયાદ કરી હોત તો તેમને ઝડપથી નાણાં મળી ચૂક્યા હોત પરંતુ આખરે બધુ સમુ સુધરુ પાર પડતા રમેશભાઈ સાયબર ક્રાઈમનો આભાર વ્યક્ત કર્યો.

• ભલભલા ગુનાઓને ઉકેલી નાંખતી ગુજરાત પોલીસ
મહત્વનું છે કે ગુજરાત પોલીસ ટેકનિકલી રીતે બહુ એડવાન્સ થઈ ગઈ છે ગુનેગારો વિચારી પણ ન શકે તેવી રીતે ગુજરાત પોલીસની સાયબર ટીમ તેમને પકડી પાડે છે. પછી તે ગમે તેવા પ્રકારનો સાયબર અપરાધ હોય સાયબર યુનિટને આવા ગુનાઓને ઉકલવામાં માસ્ટરી આવી ગઈ છે. આની પાછળનું એક કારણ એ પણ છે કે કોઈપણ પ્રકારની ગુનાખોરી ન થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેના પરિણામે જ ગુજરાત પોલીસ ભલભલા ગુનાઓને પણ ઉકેલી નાંખે છે.