તાજા સમાચારદેશ

દેશના 80 કરોડથી વધુ લોકોના હિતમાં મોદી સરકારનો મહત્વનો નિર્ણય, મફત રાશન યોજના નવેમ્બર સુધી લંબાવાઈ

752views

દેશના 80 કરોડ લોકોને પીએમ મોદીએ મહત્વની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના નવેમ્બરના અંત સુધી લંબાવાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું કે 80 કરોડ લોકોને મફત રાશન વિતરણની યોજના નવેમ્બરના અંત સુધી લંબાવવામાં આવી છે. આ યોજના હેઠળ પ્રત્યેક મહિને પરિવારના વ્યક્તિ દીઠ 5 કિલો ઘઉં અથવા 5 કિલો ચોખા અને પરિવારદીઠ 1 કિલો ચણાનું વિનામૂલ્યે વિતરણ કરાશે. પીએમ મોદીએ જણાવ્યું કે દેશના 80 કરોડ લોકો જૂલાઈથી નવેમ્બરના અંત સુધી આ યોજનાનો લાભ લઈ શકશે. આ યોજનાના વિસ્તરણ પાછળ 90 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને અગાઉના ત્રણ મહિનાની રકમ ઉમેરીયે તો કુલ 1.50 લાખ કરોડ રૂપિયાની યોજના થાય.

રાષ્ટ્રજોગ સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે આ યોજના માટે દેશના બે વર્ગોનો મહત્વનો ફાળો રહેલો છે. એક છે ખેડૂત કે જેઓની મહેનતના લીધે આ શક્ય બન્યું છે અને બીજો વર્ગ છે ઈમાનદાર ટેક્સપેયર. પીએમ મોદીએ આ પ્રસંગે દેશના ઈમાનદાર કરદાતાઓનો પણ આભાર માન્યો.

કોરોના અંગે પીએમ મોદીએ કહ્યું કે કોરોનાથી થતા મૃત્યુદરની દ્રષ્ટિએ ભારતની સ્થિતિ વિશ્વના અન્ય દેશો કરતા ઘણી સારી છે. કોરોના સામે સાવચેતીમાં લાપરવાહી ખૂબ જ ગંભીર પરિણામ આપી શકે છે. ગામનો પ્રધાન હોય કે દેશનો પ્રધાન હોય કોઈ પણ વ્યક્તિ નિયમથી ઉપર નથી. પીએમે જણાવ્યું કે સમયસર અને સંવેદનશીલ નિર્ણયથી કોઈ પણ સંકટનો સામનો કરવાની શક્તિ અનેકગણી વધી જાય છે.