દેશ

LAC પાસે ચીન સામે ભારતનો વધુ એક માસ્ટર પ્લાન, સરહદી ગામડાઓમાં યુદ્ધના ધોરણે શરૂ કરાશે આ સુવિધા

409views

ભારતીય સરહદે ચીન જરાક પણ અવળચંડાઈ કરે તો ભારતીય સેના તેનો વળતો જવાબ આપવા તૈયાર છે. ભારતની તૈયારીઓ માત્ર દારૂગોળા કે હથિયારો સુધી જ સીમિત નથી પરંતુ ભારત હવે લદ્દાખમાં સરહદના તમામ વિસ્તારોને કનેક્ટ કરવા સંચાર માધ્યમોને મજબૂત કરી રહ્યું છે. ભારતનું આ અભિયાન પણ સૈન્ય તૈયારીઓ જેવું જ છે. લદ્દાખના સરહદી ગામોમાં કોમ્યુનિકેશન સુવિધાને મજબૂત કરવા કેન્દ્ર સરકારે નવો પ્લાન તૈયાર કર્યો છે. જે અંતર્ગત લદ્દાખમાં 134 ડિજીટલ સેટેલાઈટ ફોન ટર્મિનલ સ્થાપવાની યોજના છે.

લદ્દાખના એક્ઝિક્યુટિવ કાઉન્સિલર કુનચોક સ્ટાંજીએ જણાવ્યું કે લદ્દાખના 57 ગામોમાં સંચાર તંત્રને ઝડપથી મજબૂત બનાવાશે. હાલ લેહ માટે 24 મોબાઈલ ટાવરની મંજૂરી મળી છે પરંતુ હજુ વધુ 25 મોબાઈલ ટાવરની જરૂર છે. સમગ્ર જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કનેક્ટિવિટી માટે 336.89 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. તેનાથી જમ્મુ કાશ્મીરના અનેક ગામોમાં પણ લોકો ફોન સુવિધાનો ફાયદો ઉઠાવી શકશે.

લદ્દાખમાં જે મહત્વપૂર્ણ વિસ્તારોને સેટેલાઈટ ફોન કનેક્શન મળ્યું છે તેમાં ગાલવાન ઘાટી, દોલત બેગ ઓલ્ડી, હોટ સ્પ્રિંગ્સ, ચુશૂલનો સમાવેશ થાય છે. આ તમામ વિસ્તારો વાસ્તવિક નિયંત્રણ રેખાને અડીને આવેલા છે. અહીંની વિષમ ભૌગોલિક પરિસ્થિતિના કારણે દરેક ગામમાં એક મોબાઈલ ટાવરની જરૂર પડે છે.