ગુજરાત

અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ હતી, ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા પણ આખી રાત મંદિરમાં ખડે પગે રહ્યા

302views

અમદાવાદમાં ઐતિહાસિક જગન્નાથજીની રથયાત્રા શરતોને આધીન નિકળે તે માટે ગુજરાત સરકારે તમામ તૈયારીઓ કરી હતી. અમદાવાદમાં રથયાત્રાને મંજૂરી આપવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી પણ કરાઈ હતી. મોડી રાત સુધી રાજ્ય સરકારે રથયાત્રાની શરતી મંજૂરી માટે દલીલો કરી પરંતુ ગુજરાત હાઈકોર્ટે વર્તમાન પરિસ્થિને ધ્યાનમાં રાખીને મંજૂરી આપી નહી.

આ તમામની વચ્ચે જગન્નાથજી મંદિરમાં સરકારના પ્રતિનિધી તરીકે રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા આખી રાત ખડે પગે રહ્યા. સાંજે સીએમ રૂપાણીએ આરતી કરી ત્યારે પ્રદિપસિંહ જાડેજા તેમની સાથે જ હતા. આરતી બાદ સીએમ વિજય રૂપાણીએ જાહેરાત કરી કે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રથયાત્રાને મંજૂરી માટે અરજી કરી છે. ત્યારે લોકોને આશા બંધાઈ હતી કે રથયાત્રાની પરંપરા નહી તૂટે. આ સમયે રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવા રાજ્ય સરકારના પ્રતિનિધી તરીકે પ્રદિપસિંહ જાડેજાએ મોર્ચો સંભાળ્યો.

હાઈકોર્ટમાં મોડી રાત સુધી દલીલો થઈ તે તમામનું પ્રદિપસિંહે પળેપળનું અપડેટ લીધુ. તેમજ પરંપરાગત રૂટ પર કેવી તૈયારીઓ છે તેની પણ માહિતી તેઓએ મેળવી હતી. મોડી રાત્રે 2 વાગ્યે હાઈકોર્ટે રથયાત્રાને મંજૂરી આપી નહી છત્તા પ્રદિપસિંહ મંદિર પરિસરમા જ રહ્યા.

હાઈકોર્ટે રથને મંદિરની બહાર નહી કાઢવા જણાવતા ગૃહપ્રધાને મંદિર બહાર સુરક્ષા બંદોબસ્ત માટે ઉચ્ચ અધિકારીઓ સાથે આખી રાત ચર્ચા વિચારણા કરી. તેમજ શ્રદ્ધાળુઓ માટે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે દર્શન થઈ શકે તેની તૈયારીઓની પણ સમીક્ષા કરી. વહેલી સવારે મંગળા આરતીમાં પણ તેઓ સહભાગી થયા. આખી રાત મંદિર પરિસરમા જ રહેલા પ્રદિપસિંહ જાડેજાએ રથયાત્રાની તમામ તૈયારીઓની જાતે જ દેખરેખ રાખી. અને સવારે ગાંધીનગરમાં ગુજરાતના લોકાયુક્ત રાજેશ શુક્લની શપથવિધીમાં પણ હાજર થઈ ગયા.