ગુજરાત

જેવી જગન્નાથજીની મરજી : અમદાવાદમાં રથયાત્રા માટે ગુજરાત સરકારે છેલ્લી ઘડી સુધી પ્રયાસો કર્યા પરંતુ હાઈકોર્ટે લોકોના સ્વાસ્થને જોતા મંજૂરી ન આપી

177views

• અમદાવાદમાં જગન્નાથજી મંદિરમાં ત્રણેય રથોની પરિક્રમા
• સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ભક્તોએ કર્યા દર્શન
• મોડી રાત સુધી ગુજરાત સરકારે હાઈકોર્ટમાં કરી દલીલો
• જગન્નાથ પુરી સાથે અમદાવાદની તુલના ન કરી શકાય – હાઈકોર્ટ
• સીએમ વિજય રૂપાણીએ કરી પહિંદવિધી
• મંદિર પરિસરમાં જ ગુંજ્યો જય રણછોડ, માખણચોરનો નાદ

અમદાવાદના ઈતિહાસમાં પ્રથમ વખત અષાઢી બીજના દિવસે નગરના નાથ નગરચર્યાએ નિકળ્યા નથી. જોકે ગર્ભગૃહમાંથી ત્રણેય મૂર્તિએ રથમાં સ્થાપિત કરવામાં આવી. અને ખલાસીઓ દ્વારા ત્રણેય રથને મંદિર પરિસરમાં ફેરવવામાં આવ્યા. રાજ્ય સરકારે શરતોને આધીન રથયાત્રાની મંજૂરી માટે છેક છેલ્લી ઘડી સુધી પ્રયાસો કર્યા પરંતુ ગુજરાત હાઈકોર્ટે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રથયાત્રાને મંજૂરી ન આપી.

સવારે મંગળા આરતી અને રાજભોગ દર્શન બાદ નાથને રથમાં બિરાજવામાં આવ્યા. પરંપરા પ્રમાણે સીએમ વિજય રૂપાણીએ પહિંદવિધી કરીને રથનું પ્રસ્થાન કરાવાયુ. જોકે રથને મંદિર પરિસરમાં જ રાખવામાં આવ્યા. જગન્નાથ મંદિર ટ્રસ્ટે મંદિરની ફરતે રથ ફેરવવાની માંગ કરી. આ મામલે પોલીસ અને મંદિરના ટ્રસ્ટીઓ વચ્ચે લાંબી બેઠક બાદ રથને મંદિર પરિસરમાં જ ફેરવાનો નિર્ણય લેવાયો. મંદિર પરિસરમાં ત્રણેય રથોની પરિક્રમા બાદ ભક્તોને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે મંદિરમાં દર્શન માટે પ્રવેશ અપાયો.

મોડી રાત્રે સર્જાયેલા હાઈવોલ્ટેજ ડ્રામામાં લોકોને વિશ્વાસ હતો કે ગુજરાત હાઈકોર્ટ કદાચ શરતોને આધીન મંજૂરી આપી દેશે. પરંતુ હાઈકોર્ટે કહ્યું કે જગન્નાથપુરી સાથે અમદાવાદની તુલના ન કરી શકાય.