દેશ

કોંગ્રેસે ચીનની સત્તારૂઢ પાર્ટીના ગુણગાન ગાવા MoU કર્યા હતા, એક પછી એક સામે આવી રહ્યા છે સજ્જડ પુરાવા

621views

ભારત સાથે સીમા વિવાદ હોય કે વૈશ્વિક મહામારી કોરોનાનું એપિસેન્ટર હોય તમામ બાબતો માટે ચીનને જવાબદાર ઠેરવાઈ રહ્યું છે. અમેરિકાએ પણ કોરોના સંકટ અને લદ્દાખમાં ભારતીય સૈનિકો સાથે ઘર્ષણ પાછળ ચીનને જવાબદાર ઠેરવ્યું છે. ચીન સરહદે 20 ભારતીય જવાનોની શહાદતને પગલે દેશમાં પણ લોકોમાં ચાઈનીઝ પ્રોડક્ટ સામે આક્રોશ છે. લોકો ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરી રહ્યા છે, એવામાં જાણીને નવાઈ લાગે કે ભારતમાં પણ ચીન પ્રત્યે નરમ વલણ ધરાવતી એક આખી લોબી કામ કરી રહી છે. તમામ બાજુએથી ઘેરાયેલા ચીન માટે ભારતમાં કોઈક તો છે કે જે બેટિંગ કરી રહ્યું છે. ભારતમાં ચીન વિરોધી માહોલને કેવી રીતે શાંત કરવો આ માટે પોતાનું અસ્તિત્વ ટકાવી જજુમી રહેલી એક રાજકીય પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે. આ રાજકીય પાર્ટી છે ભારત પર વર્ષો સુધી શાસન કરનારી કોંગ્રેસ.

• ભારતમાં ચીન તરફી માહોલ બનાવતી લોબી
ચીનની ભૂલનો સ્વીકારવાને બદલે આખે આખી કોંગ્રેસ પાર્ટી પીએમ મોદીને ટાર્ગેટ કરવામાં લાગી ગઈ છે. કોંગ્રેસ પાર્ટી અને તેની સમર્થક લોબી ચીન માટે ભારતમાં માહોલ બનાવી રહી છે. આમ થવા પાછળનું એક સ્ફોટક કારણ પણ છે. અને તે છે ચીનના મુખ્ય રાજકીય પક્ષ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે થયેલો કરાર..હા આ એ જ કરારનો ભાગ છે કે કોંગ્રેસ ભારતમાં ચીન માટે બેટિંગ કરી રહી છે.

• કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના વચ્ચે કરાર
વરિષ્ઠ ધારાશાસ્ત્રી મહેશ જેઠમણાલીએ એક ફોટો પોસ્ટ કરીને એનઆઈએ તપાસની માંગ કરી છે. મહેશ જેઠમલાણીએ જે ફોટો પોસ્ટ કર્યો છે તે ફોટો 7 ઓગષ્ટ 2008માં ચીનના બૈજિંગમાં કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના વચ્ચે થયેલા એક કરારનો છે. આ ફોટામાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધી, અને તે સમયે રાજ્યકક્ષાના વિદેશપ્રધાન આનંદ શર્મા દેખાય છે. જ્યારે ચીન તરફ તત્કાલિન ઉપ રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને કોમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત છે. બે દેશોની સત્તારૂઢ રાજકીય પાર્ટીઓ વચ્ચે આ કરાર થયા હતા. સ્વાભાવિક છે કે કોંગ્રેસને ચીનના રાજકીય મેદાનમાં ઉતરવું તો હતુ નહી તો પછી સવાલ થાય કે આખરે આ કરાર થયા શેના માટે ?


• કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના વચ્ચે આંતરિક સમજૂતી
આ ઘટનાક્રમના સાક્ષી રહેલા સુત્રોએ જણાવ્યું કે આ કરાર બન્ને રાજકીય પાર્ટીઓને મહત્વના દ્વીપક્ષીય, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર એકબીજાની સલાહ સુચન લેવાની તક પૂરી પાડે છે. આ કરાર થયો તે પહેલા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ શી જિનપીંગ અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાના વરિષ્ઠ નેતાઓ સાથે આંતરિક સમજૂતીને લઈને ચર્ચા વિચારણા પણ કરી હતી. જ્યારે આ કરાર થયો ત્યારે ભારતમાં યુપીએ સરકાર હતી અને યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી હતા. આ કરાર થયો ત્યાર પછી સોનિયા ગાંધી ચીન સરકાર દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં સામેલ થયા. આ કાર્યક્રમ ચીનના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ હું જિન્તાઓ દ્વારા બૈંજિગ ઓલિમ્પિકના ઉદ્દઘાટન સમારોહમાં આવેલા વૈશ્વિક નેતાઓ માટે યોજાયો હતો.


• બૈજિંગ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીની હાજરી
જે લોકોએ 12 વર્ષ પહેલા 2008માં ચીનના બૈંજિગ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની જોઈ હશે તેઓને કદાચ ખ્યાલ હશે કે જ્યારે ભારતની ટીમ સ્ટેડિયમમાં રાષ્ટ્રધ્વજ સાથે પ્રવેશે છે ત્યારે ટીવી સ્ક્રીન પર ભારતીય ટીમની સાથે સાથે સોનિયા ગાંધી સ્ટેડિયમમાં ઉપસ્થિત હોવાના દ્રશ્યો બતાવાય છે. સવાલ એ પણ થાય કે સોનિયા ગાંધી પાસે તો કોઈ જાહેર હોદ્દો કે મંત્રાલય હતું નહી તેમ છત્તા તેઓએ કયા આધારે ચીનની મહેમાનગતિ સ્વીકારી. ચીનના અંગત મહેમાન તરીકે સોનિયા ગાંધી સપરિવાર બૈજિગ ઓલમ્પિકની ઓપનિંગ સેરેમનીમાં હાજર રહ્યા તેનો મતલબ સાફ છે કે ચીનની સત્તારૂઢ કોમ્યુનિસ્ટ પાર્ટીએ પોતાના ફાયદા માટે કોંગ્રેસ સાથે કરારો કર્યા હતા. તે સમયે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાની એવી ગણતરી હતી કે યુપીએ સરકારથી પણ ઉપર એકચક્રી શાસન ધરાવતી કોંગ્રેસ પાર્ટી અને નહેરુગાંધી પરિવાર સાથે ગાઢ સંબંધ રાખવાની ભવિષ્યમાં તેમને મહત્તમ ફાયદો મળશે.

• ચીનની સત્તારૂઢ પાર્ટી સાથે ઘનિષ્ટતા બનાવવાનો કોંગ્રેસનો પ્રયાસ
આ પહેલા 26 ઓક્ટોબર 2007માં બૈજિંગમાં જ ચીનના રાષ્ટ્રપતિ હું જિન્તાઓ અને સોનિયા ગાંધી સાથે મુલાકાત થઈ હતી. આ દરમ્યાન બન્નેએ સ્પષ્ટ સંવાદ પર ભાર મુક્યો હતો. જોકે આ સમયે પણ સોનિયા ગાંધી પાસે કોઈ જાહેર હોદ્દો ન હતો. માત્રને માત્ર ચીનની સત્તારૂઢ પાર્ટી સાથે ઘનિષ્ટતા બનાવવા માટેની પ્રક્રિયાનો ભાગ હતો.

• ચીનને ફાયદો થાય તેવું પી. ચિદમ્બરમનું નિવેદન
કોંગ્રેસના ચીન તરફી વલણનો વધુ એક પુરાવો તાજેતરમા જ જોવા મળ્યો. આ માટે બહુ દૂર જવાની જરૂર નથી. ત્રણ દિવસ પહેલા જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમ્ ચાઈનીઝ પ્રોડક્ટની વહારે આવ્યા. તેમણે એક વીડિયો સંદેશ જાહેર કરીને કહ્યું કે ભારતમાં ચાઈનીઝ પ્રોડક્ટના બહિષ્કારથી ચીનને કોઈ ફરક નહી પડે. સોશિયલ મીડિયામાં આ નિવેદનની ભારે ટિકા થઈ. લોકોએ કહ્યું કે ચિદમ્બરમ્ ભારત તરફી છે કે ચીન તરફથી.??

• ચીનના સહારે રાજકીય અસ્તિત્વ ટકાવવાનો કોંગ્રેસનો પ્રયાસ
કોંગ્રેસ અને ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના વચ્ચે થયેલા કરારનો જ ભાગ છે કે કોંગ્રેસ ચીનના બદલે મોદી સરકાર પર ગલવાન ઘાટીમાં બે દેશોના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણનો દોષનો ટોપલો ઢોળી રહી છે. કોંગ્રેસને પોતાનુ રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે ચીનનો સહારો લેવો પડે તે કેટલું યોગ્ય કહેવાય?