ગુજરાત

એક લાખ રૂપિયાની લોન યોજનાને જબરજસ્ત પ્રતિસાદ મળ્યા બાદ ગુજરાત સરકારની વધુ એક યોજના, 4 ટકાના દરે મળશે લોન

1.08Kviews

કોવિડ-19થી ઠપ્પ થયેલા વેપાર ધંધાને ફરીથી પાટા પર લાવવા માટે ગુજરાત સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અમલમાં મુકી છે. પ્રથમ તબક્કામાં આ યોજનામાં 1 લાખ રૂપિયા સુધીની લોન આપવાની શરૂઆત થઈ ચૂકી છે. લાભાર્થીઓના ખાતામાં નાણાં પણ ટ્રાન્સફર થઈ રહ્યા છે. એક લાખ રૂપિયાની લોન યોજનાને જબરજસ્ત પ્રતિસાદ મળતા હવે રાજ્ય સરકારે આ યોજના હેઠળ લોનની રકમમાં વધારો કર્યો છે.

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના -2
રાજ્ય સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-2 શરૂ કરી છે. જેમાં 1 લાખથી વધુ અને 2.50 લાખ સુધીનું ધિરાણ મળશે. નાના વેપારીઓ, મધ્યમવર્ગના વ્યક્તિઓ, વ્યક્તિગત કારીગરો માટે 5,000 કરોડ રૂપિયાનું રાજ્ય સરકારે આર્થિક પેકેજ જાહેર કર્યું છે.

ક્યારથી મળશે ફોર્મ ?
આ યોજનાના ફોર્મ 1 જૂલાઈ 2020થી સહકારી બેન્કોમાંથી મળશે. જે 30 સપ્ટેમ્બર 2020 સુધીમાં ફોર્મ ભરીને પરત કરવાના રહેશે. આ લોન મેળવવા માટેના રાજ્યની વિવિધ સહકારી અને નાગરિક બેન્કોમાંથી મળી રહેશે.
• ગુજરાત રાજ્ય સહકારી બેન્કો
• જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કો
• ગુજરાતમાં આવેલી નાગરિક સહકારી બેન્કો

આ બેન્કો લોન માટે અરજી કરીને લાભાર્થીઓ તેમની પાત્રતાના આધારે નક્કી કરાયેલું ધિરાણ મેળવી શકશે.

પ્રથમ છ મહિના કોઈ હપ્તો નહી
સૌથી મહત્વની વાત એ છે કે લાભાર્થીઓએ પ્રથમ છ મહિના કોઈ હપ્તો ભરવાનો નથી. ત્યાર બાદ 30 સરખા માસિક હપ્તામાં ધિરાણ તથા વાર્ષિક 4 ટકા વ્યાજ ભરવાનું રહેશે.

નાના માણસો માટે મોટી યોજના
આ યોજના સંબંધી પૂછપરછ આપના વિસ્તારની નજીકની સહકારી બેન્કની શાખામાંથી થઈ શકશે. આફતના સમયમાં ગુજરાત સરકાર જરૂરિયાતમંદોની પડખે અડીખમ ઉભી છે. ત્યારે નાના માણસો માટે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-2 ખરા અર્થમાં મોટી યોજના સાબિત થશે.