દેશ

WHOએ આપ્યા સારા સમાચાર, આ વર્ષના અંત સુધીમાં મળી જશે કોરોના સામેની રસી

451views

વૈશ્વિક મહામારી કોરોનાની વેક્સિન ક્યારે મળશે તેની સમગ્ર વિશ્વના દેશો ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. કેટલાક દેશોએ દાવો કર્યો છે કોરોના સામેની રસી બનાવવામાં તેઓ અંતિમ તબક્કામાં છે. પરંતુ હજુ સુધી કોઈ નક્કર પરિણામ સામે આવ્યું નથી..તેવામાં વિશ્વ આરોગ્ય સંસ્થાના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. સૌમ્ય સ્વામીનાથને કહ્યું કે કોવિડ-19ની વેક્સિન બનાવવા માટે અનેક જગ્યાએ કામ અંતિમ તબક્કામાં છે, અને પૂરી આશા છે કે, કોરોનાની રસી આ વર્ષના અંત સુધીમાં મળી જશે. આ સિવાય સ્વામીનાથને કહ્યું કે, હાઈડ્રોક્સીક્લોરોક્વિન કોરોના સંક્રમિતોની સારવાર માટે કારગર નથી પરંતુ નુકશાન કરી રહી છે, જેથી તેના પર ચાલી રહેલા તમામ રિસર્ચ અને ટ્રાયલને રોકી દેવામાં આવ્યા છે.

સ્વામીનાથને કહ્યું કે, લગભગ 10 જગ્યાઓ પર માનવ પરીક્ષણ ચાલી રહ્યું છે. જેમાંથી ત્રણ જગ્યાએ પરીક્ષણ અંતિમ તબક્કામાં પહોચ્યું છે. જ્યાં એક રસી પ્રભાવિત સાબિત થઈ રહી છે. વેક્સિનને લઈ WHOના પ્રયાસનો ઉલ્લેખ કરતા સ્વામીનાથને કહ્યું કે, હું આશાવાદી છું પરંતુ રસી બનાવવી એક જટિલ પ્રક્રિયા છે, અને તેમાં ખૂબ જ વધારે અનિશ્ચિતતા પણ રહેલી છે. જોકે બધુ સમુસુથરુ પાર પડશે તો આ વર્ષના અંત સુધીમાં એક અથવા બે સફળ વેક્સિન મળી જશે.