દેશ

કોંગ્રેસ સમર્થિત મહારાષ્ટ્ર સરકાર જ ચીનના ખોળે બેઠી, ચાઈનીઝ કંપનીઓ સાથે કર્યા 5,000 કરોડના MoU

566views

એક તરફ દેશવાસીઓ ચાઈનીઝ પ્રોડક્ટના બહિષ્કારની ઝૂંબેશ ચલાવી રહ્યા છે તો બીજી તરફ મહારાષ્ટ્ર સરકાર ચાઈનીઝ કંપનીઓ સાથે હાથ મિલાવી રહી છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સમર્થિત સરકારે ચીનની ત્રણ કંપનીઓ સાથે તાજેતરમાં જ 5,000 કરોડ રૂપિયાના એમઓયુ કર્યું છે. જેનો કન્ફર્ડેશન ઓફ ઈન્ડિયન ટ્રેડર્સ(CAIT)એ વિરોધ નોંધાવ્યો છે. CAIT તરફથી મહારાષ્ટ્ર સરકારને વિનંતી કરી છે કે તેઓ ચાઈનીઝ કંપનીઓ સાથેના MoU રદ્દ કરે.

મહારાષ્ટ્ર સરકારે ‘મેગ્નેટીક મહારાષ્ટ્ર 2.0’ હેઠળ ત્રણ ચાઈનીઝ કંપનીઓ સાથે કરાર કર્યા છે. જેમાં હેન્ગલી એન્જિનિયરિંગ, PMI ઈલેક્ટ્રો મોબિલીટી સોલ્યુશન અને ગ્રેટ વોલ મોટર્સનો સમાવેશ થાય છે. CAITએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને જણાવ્યું છે કે ભારત અને ચીન વચ્ચે વર્તમાન તંગ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચાઈનીઝ કંપનીઓ સાથે થયેલા કરાર અંગે ફેરવિચારણા કરવી જોઈએ.

મહત્વનું છે કે દેશમાં 7 કરોડ વેપારીઓ અને 40,000 વેપારી સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતા CAITએ સમગ્ર દેશમાં ચાઈનીઝ પ્રોડક્ટના બહિષ્કારનું અભિયાન છેડ્યું છે. આ અભિયાનને ‘ભારતીય સામાન, હમારા અભિમાન’ નામ અપાયું છે જેને સમગ્ર દેશના વેપારીઓએ જબરજસ્ત પ્રતિસાદ પણ આપ્યો છે.