દેશ

ચીનને હવે બરાબર ચચરશે, ચાઈનીઝ પ્રોડક્ટની આયાત ઘટાડવા ભારત ઈમ્પોર્ટ ડ્યૂટી વધારશે

153views

• 300 ચાઈનીઝ પ્રોડક્ટ પર આયાત ડ્યૂટી વધારાશે
• નોન ટેરિફ બેરિયરની પણ યોજના
• દેશની વેપાર ખાદ્ય ઘટાડવાની રણનીતિ

ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ બાદ ભારતમાં ચીનની પ્રોડક્ટનો બહિષ્કાર શરૂ થઈ ગયો છે. એવામાં ભારત સરકારે પણ યોજના બનાવી છે કે ચીનથી આયાત થતા સામાન પર રોક લગાવાશે. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા પ્રમાણે આ ડેવલોપમેન્ટ સાથે સંકળાયેલા સરકારના બે ઉચ્ચ અધિકારીઓએ કહ્યું કે ભારત અંદાજે 300 ચાઈનીઝ પ્રોડક્ટ પર આયાત ડ્યૂટી વધારશે જેથી તેની આયાત ઘટાડી શકાય.

સુત્રોના મતે કેન્દ્ર સરકાર એપ્રિલથી જ આવી યોજનાઓ પર કામ કરી રહી છે. અને આ જ કડીમાં પીએમ મોદીએ આત્મનિર્ભર અભિયાનથી સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી છે. નામ નહી જણાવવાની શરતે સુત્રોએ જણાવ્યું કે સરકાર આગામી ત્રણ મહિનામાં ડ્યૂટીનું નવુ સ્ટ્રક્ચર ધીરે ધીરે લાગુ કરી શકે છે. આ યોજનામાં ફાયનાન્સ અને ટ્રેડ મિનિસ્ટ્રી પણ સામેલ છે.

અધિકારીઓના મતે સરકાર 160થી 200 ચાઈનીઝ પ્રોડક્ટ પર આયાત ડ્યુટી વધારવા અંગે વિચારી રહી છે. જ્યારે 100 પ્રોડક્ટ્સ પર નોન ટૈરિફ બેરિયર લગાવવાની તૈયારી છે. નોન ટેરિફ બેરિયરનો મતલબ એ જ કે તેના પર ડ્યુટી નહી વધારાય પરંતુ લાયસન્સની જરૂરીયાત અને કડક ક્વોલિટી ચેકિંગના માધ્યમથી તેની આયાત ઓછી કરવાનો પ્રયાસ કરાશે.

આ યોજના સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું કે આ નિર્ણયથી 8 અબજ ડૉલરથી લઈને 10 અબજ ડૉલરના પ્રોડક્ટ પર રોક લાગશે. અન્ય એક અધિકારીએ કહ્યું કે ‘અમે કોઈ દેશને ટાર્ગેટ કરી નથી રહ્યા અમે માત્ર અમારી વેપાર ખાદ્ય ઘટાડવા માંગીએ છીએ.’

માર્ચ 2019ના રોજ સમાપ્ત થતા નાણાંકિય વર્ષમાં ચીન અને ભારત વચ્ચે 88 અબજ ડૉલરનો વેપાર થયો હતો. જેમાં ભારતની વેપાર ખાદ્ય વધારે રહી કારણ કે ભારતે ચીનની સરખામણીએ 53.5 અબજ ડૉલર મૂલ્યના વધારે પ્રોડક્ટની આયાત કરી હતી. એપ્રિલ 2019થી લઈને ફેબ્રુઆરી 2020 સુધી ચીન સાથે ભારતનો ટ્રેડ ડેફિસિટ 46.8 અબજ ડૉલર રહ્યો છે.