ગુજરાત

રાજકોટની યશકલગીમાં વધારો, મળ્યું રાષ્ટ્રીય સ્તરનું વધુ એક સન્માન

101views

રંગીલા રાજકોટની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાયું છે. રાજકોટને વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર( WWF)ના વન પ્લાનેટ સિટી ચેલેન્જ અંતર્ગત ગ્લોબલ કક્ષાએ ફરી એક વખત નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયા 2019-20 નો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. આ અગાઉ પણ રાજકોટ શહેર વર્ષ 2016 અને 2018માં નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયાનો એવોર્ડ મેળવી ચૂક્યો છે. વન પ્લાનેટ સિટી ચેલેન્જ (OPCC) એક ઓપન પ્રતિસ્પર્ધા છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 400થી વધુ શહેરોએ સ્વેચ્છાએ કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને આબોહવા શુદ્ધ કરવાના ટાર્ગેટ સાથે ભાગ લીધો છે. આ સ્પર્ધામાં વર્ષ 2019-20 દરમિયાન કુલ 53 દેશોના 255 શહેરોએ ભાગ લીધો હતો.

જેમાં ઉર્જા, પરિવહન, આવાસ, ગટર વ્યવસ્થા, પાણી વ્યવસ્થાપન જેવા સેક્ટર્સને આવરી લેવાયા હતા. આ સ્પર્ધામાં ભારતમાંથી રાજકોટ, નાગપુર, કોચી, પણજી, પૂણે, ગુવાહાટી, ગંગકોટ તેમજ ઈન્દોર શહેરે ભાગ લીધો હતો. આ અંગે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું કે, સ્પર્ધામાં ઇન્ટરનેશનલ કમિટી અને સેક્ટર નિષ્ણાંતો દ્વારા દરેક શહેરના ડેટાની સમીક્ષા કરાઈ હતી. જેમાંથી દેશમાંથી એક નેશનલ કેપિટલ તથા દરેક નેશનલ કેપિટલમાંથી એક ગ્લોબલ કેપિટલ સિલેક્ટ કરવામાં આવે છે. ગ્લોબલ જ્યુરી દ્વારા માર્ચ મહિનામાં ભારતમાંથી કોચી, નાગપુર અને રાજકોટનું નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયાના ફાઇનાલિસ્ટ તરીકે સિલેક્શન કરાયું હતુ. જેમાંથી રાજકોટ શહેર ફરી વખત નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયા 2019 બન્યું છે. રાજકોટ શહેરની સતત ત્રીજી વખત નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે પસંદગી થઇ છે જે રાજકોટ શહેર માટે ગૌરવની બાબત છે.

ઇન્ટરનેશનલ કમિટીએ રાજકોટ શહેરને તેમના કાર્યોને બિરદાવતા જણાવ્યું કે રાજકોટે ઉર્જાની કાર્યક્ષમતા, પાણીની તંગીને ઓછી કરવી, ગટર વ્યવસ્થા તેમજ પાણીના શુદ્ધિકરણમાં મહત્વની કામગીરી કરી છે.