ગુજરાત

ખેડૂતોને સિંચાઈ અને પીવાના પાણી માટે ગુજરાત સરકારનો પાણીદાર નિર્ણય, રાજ્યની આઠ નદીઓમાં છોડાયા નર્મદાના નીર

87views

ગુજરાતમાં ખેડૂતોને સિંચાઈ માટે પુરતુ પાણી મળી રહે તેમજ પશુપાલન માટે પણ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના નિર્ણય અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે જણાવ્યું કે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં મધ્યપ્રદેશમાં હાઈડ્રો પાવર પ્રોજેકટ ચાલુ હોઈ મધ્યપ્રદેશમાંથી પાણી છોડાતા મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે. આ આવકને પરિણામે ખેડૂતો અને પશુપાલકોને પાણી પૂરૂ પાડવા માટે રાજય સરકાર દ્વારા નર્મદા મુખ્ય કેનાલ દ્વારા પાણી છોડાઈ રહ્યું છે. આજે ઉત્તર અને મધ્ય ગુજરાતની દશ પૈકી આઠ નદીઓમા નર્મદાના નીર છોડવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. જેના પરિણામે આ વિસ્તારના લાખ્ખો ખેડૂતોને સિચાઈની સુવિધા અને પશુપાલકોને પશુઓ માટે પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થશે. નર્મદા યોજનાની મુખ્ય નહેરમાંથી હયાત એસ્કેપ સ્ટ્રકચરનું સંચાલન કરી

• હેરણ, દેવ, કરાડ, કુન, વાત્રક
• મેશ્વો, સાબરમતી, રૂપેણ, પુષ્પાવતી તથા બનાસ

કુલ ૧૦ નદીઓમાં નર્મદાના પાણી છોડવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને તે માટે નર્મદા મુખ્ય નહેરમાં પાણીનું વહેણ ૧૧,૦૦૦ થી વધારીને ૧૩,૦૦૦ ક્યુસેક કરાયું છે. હાલ આ નદીઓ પૈકીની હેરણ, દેવ, કરાડ, કુન, વાત્રક, સાબરમતી, રૂપેણ અને બનાસ મળી કુલ ૮ નદીઓમાં ૧૮૦૬ ક્યુસેક પાણી છોડવાનું શરુ કરી દેવાયુ છે જયારે મેશ્વો અને પુષ્પાવતી નદીમાં ટૂક સમયમાં પાણી છોડાશે. જેના પરિણામે ખાસ જરૂરિયાતના સમયે નદીઓમાં નર્મદાનું પાણી ઉપલબ્ધ થવાથી આ વિસ્તારના ખેડૂતોને અને પશુપાલકોને લાભ થશે સાથે સાથે ભૂગર્ભ જળ રીચાર્જ થશે અને કેનાલ હેડ પાવર હાઉસમાંથી આ વધારાનું પાણી પસાર થતા જળવિદ્યુત ઉત્પાદનમાં પણ વધારો થશે .

હાલ નર્મદા ડેમમાં પાણીની સપાટી ૧૨૬.૭૭ મીટરે છે અને ડેમમાં પાણીનો જીવંત જથ્થો ૨૪૮૧.૬૦ મી.ધન.મીટર હોઈ આ પાણી છોડવાનો નિર્ણય કરાયો છે. હાલમાં જળાશયમાં પાણીનાં ઉપલબ્ધ જથ્થાને લક્ષમાં લઈ આ નદીઓમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. જેથી સુકી નદીઓ રીચાર્જ થશે અને નદીની આજુબાજુનાં વિસ્તારનાં કુવાઓ રીચાર્જ થશે તેથી આજુબાજુનાં ગામોમાં ઘરવપરાશ તેમજ પશુઓ-ઢોર-ઢાંખર માટે પાણી ઉપલબ્ધ થશે. નર્મદા નદીમાં સરદાર સરોવરના હેઠવાસમાં પાવરહાઉસનું પાણી છોડીને લોકોને રાહત પહોંચાડવામાં આવી રહી છે જેનાથી દરિયાની ખારાશનો ફેલાવો નિયંત્રિત કરવામાં પણ મદદ મળશે.