ગુજરાત

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ત્રણેય ઉમેદવારોની જીત, કોંગ્રેસના ભરતસિંહ સોલંકીની હાર

1.24Kviews

• ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં ચાર માંથી ત્રણ બેઠકો પર ભાજપની જીત
• ભાજપના અભય ભારદ્વાજ, નરહરિ અમીન, રમીલાબેન બારાની જીત
• અભય ભારદ્વાજને ૩૬, નરહરિ અમીનને ૩૬, અને રમીલાબેન બારાને ૩૬ મતો મળ્યા
• કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલની જીત, ભરતસિંહ સોલંકીની હાર
• કુલ 172માંતી 170 ધારાસભ્યોએ મતદાન કર્યુ
• બીટીપી મતદાનથી દૂર રહ્યું

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે યોજાયેલી ચૂંટણીને લઈને ભાજપે કરેલો દાવો સાચો ઠર્યો છે. ચૂંટણી પહેલા જ ગુજરાત ભાજપે દાવો કર્યો હતો કે આ ચૂંટણીમાં ભાજપના ત્રણેય ઉમેદવારો જીતશે અને થયું પણ એવું જ. ભાજપના ત્રણેય ઉમેદવારો અભય ભારદ્વાજ, નરહરિ અમીન અને રમીલાબેન બારાની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસના બે ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી માંથી ભરતસિંહ સોલંકીની હાર થઈ છે.

શુક્રવારે સવારે 9 વાગ્યાથી 4 વાગ્યા સુધી યોજાયેલા મતદાનમાં કુલ 172માંથી 170 ધારાસભ્યોએ મતદાન આપ્યું. આ ચૂંટણીમાં ભાજપના 103, કોંગ્રેસના 65, એનસીપીના 1 અને એક અપક્ષે મતદાન કર્યું.. જોકે બીટીપીના છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવા મતદાનથી અળગા રહ્યા. કોંગ્રેસે આ બન્ને ધારાસભ્યોને મનાવવાની ઘણી કોશીશ કરી પરંતુ તેમા તેઓને સફળતા મળી નહી.

સાંજે પાંચ વાગ્યે મતગણતરી શરૂ થઈ ત્યારે કોંગ્રેસે સ્થાનિક ચૂંટણી અધિકારી સમક્ષ અરજી કરી હતી. અને ભૂપેન્દ્રસિંહ ચૂડાસણા અને કેસરીસિંહ સોલંકીના મતને લઈને વાંધો ઉઠાવ્યો હતો. જોકે કોંગ્રેસની આ અરજીને ચૂંટણી પંચે ફગાવતા કહ્યું કે કોંગ્રેસે આ વાંધો મતદાનના સમયે ઉઠાવવાનો હતો. મતગણતરી સમયે નહી એમ જણાવીને કોંગ્રેસનો વાંધો ફગાવી દીધો. મહત્વનું છે કે કોંગ્રેસે બન્ને ઉમેદવારોને જીતાડવા માટે રિસોર્ટ પોલિટીક્સથી લઈને ધારાસભ્યોને ગોંધી રાખવા સુધીનું પ્લાનિંગ કર્યુ પરંતુ તેમ છત્તા બે બેઠકો જીતવામાં કોંગ્રેસને સફળતા મળી નહી. જ્યારે ચૂંટણી માટે જરૂરી મતોની ભાજપની ગણતરી સાચી ઠરતા તેના ત્રણેય ઉમેદવારોની જીત થઈ છે.