ગુજરાત

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં વધી જળ સપાટી, પાવરહાઉસ ચાલુ થતા રાજ્ય સરકારની આવક પણ વધી

93views

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ઉપરવાસમાં પાણીની આવક થતા ઉર્જાનું ઉત્પાદન થઈ રહ્યું છે. ડેમમાં જળ સપાટી હાલ 127.70 મીટર પર પહોંચી છે, જે ચાલુ સિઝનની સૌથી ઉચ્ચત્તમ સપાટી છે. તેમજ ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ચાલતા ટર્બાઈનના કારણે 29,740 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની સતત આવક થતા છેલ્લા છ માસથી બંધ પડેલા નર્મદા ડેમના રીવર બેડ અને કેનાલહેડ પાવર હાઉસ ચાલુ કરી દેવાયા છે. જેનાથી 29,187 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.

એક તરફ પાણીની આવક થઈ રહી છે તો બીજી તરફ પાણીની જાવક પણ એટલી જ થઈ રહી હોવાથી ડેમમાં જળ સપાટી સ્થિર છે. પરંતુ પાવર હાઉસ ચાલુ થતા સરકારને દરરોજ 17 મિલિયન વીજ યુનિટના ઉત્પાદનથી 3.51 કરોડ રૂપિયાની આવક થઈ રહી છે. ગુજરાતમાં આ વીજ ઉત્પાદનમાંથી 16 ટકા, મધ્યપ્રદેશને 57 ટકા અને મહારાષ્ટ્રને 27 ટકા વીજળી મળે છે. તેમજ સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રને પણ 7,000 ક્યુસેક પાણી અપાઈ રહ્યું છે.

મહત્વનું છે કે ગત વર્ષે ચોમાસા પહેલા જ ડેમના દરવાજા તૈયાર થઈ ગયા હતા. તેના લીધે જળ સપાટી વધતા આખુ વર્ષ રાજ્યને પાણી મળ્યું. અને હવે આ વર્ષે ચોમાસા પહેલા જ ડેમની સપાટીમાં વધારો થતા ચાલુ વર્ષ પણ સારુ જશે.