ગુજરાત

અમદાવાદમાં લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા અભિયાન; 78 લાખને ઉકાળા અને 47 લાખને હોમિયોપેથિક દવાઓ નિ:શુલ્ક અપાઈ

168views

અમદાવાદમાં કોવિડ-૧૯નું સંક્રમણ ન વધે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે. જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા “કોરોના યોધ્ધા બનો-ઘરે રહો, સુરક્ષિત રહો” ના મંત્ર સાથે ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરી. જેમાં લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા પર વિશેષ ભાર મુકાયો. અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુએ જણાવ્યું કે ‘અમદાવાદ કોરોનાની મહામારીને એક પડકાર સ્વરૂપે લઈને જિલ્લામાં વિવિધ કામગીરી કરાઈ છે. જિલ્લામાં ૭૮.૦૭ લાખથી વધુ લોકોને રોગપ્રતિકારક શક્તિ વધારતા ઉકાળા તથા ૪૭.૩૦ લાખથી વધુ હોમીયોપેથિક દવાઓ અને ૨.૨૩ લાખથી વધુ શંસમની વટી અપાઈ છે’.

જ્યારે અમદાવાદ જિલ્લાના આયુર્વેદિક અધિકારીએ જણાવ્યું કે ૧૯ મે થી ધન્વંતરી રથ અમદાવાદમાં શરૂ કરાયા. જેની આરોગ્ય સેવાનો અત્યાર સુધીમાં ૨,૧૪,૭૯૩ લોકોએ લાભ લીધો છે. આજ રીતે ક્વોરન્ટાઈન સેન્ટરમાં ૩૦,૮૯૬ લોકોને આયુર્વેદિક ઉકાળા તથા ૧૩,૯૨૧ લોકોને હોમિયોપેથિક દવાના ડોઝ અપાયા છે. આમ અમદાવાદ શહેર જિલ્લામાં આયુર્વેદિક ઉકાળા તથા હોમિયોપેથિક દવાઓનું વ્યાપક વિતરણ કરીને રોગનું સંક્રમણ અટકાવવામાં મહદઅંશે સફળતા મળી છે. સાથે જ લોકોની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થયો છે.