ગુજરાત

કોરોના સંકટ વચ્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલે અનેક નવજાત બાળકોને નવજીવન આપ્યું, જાણો કેવી રીતે ?

249views

અમદાવાદ સિવિલમાં મહિલા અને બાળરોગ માટે ૧૨૦૦ બેડ હોસ્પિટલ બનાવવામાં આવી હતી. કોરોનાની વિકટ પરિસ્થિતિમાં આ ડેડિકેટેડ હોસ્પિટલનો ઉપયોગ કોરોનાગ્રસ્તની સારવાર માટે થઈ રહ્યો છે. આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે.

સિવિલ હોસ્પિટલના જૂના બ્લિડિંગમાં બાળરોગ સર્જીકલ F-7 વિભાગમાં એક જ યુનિટ અને ૪ તબીબોની ટીમ દ્વારા કોરોના સમયગાળાના ૬૦ દિવસ દરમિયાન ૧૦૨ બાળકોની સર્જરી સફળતાપૂર્વક કરાઈ છે. અમદાવાદ સિવિલનો બાળરોગ સર્જરી વિભાગ ગુજરાતભરમાં એક માત્ર વિભાગ છે કે જ્યાં જન્મજાત ખોડખાંપણ અને જટિલ બાળરોગોની સર્જરી થાય છે. કોરોનાની પરિસ્થિતિ ધ્યાને રાખીને પ્લાન સર્જરી બંધ કરાઈ હતી અને અતિઆવશ્યક ઈમરજન્સી સર્જરી જ કરાઈ હતી.

બાળરોગ સર્જીકલ વિભાગના હેડ અને હાલ ૧૨૦૦ બેડમાં એડીશનલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી કહે છે કે ‘અમારી જોડે અતિ ગંભીર અને જટિલ સમસ્યાઓથી ઘેરાયેલા બાળકો આવે છે. કોઈને પાંચનમાર્ગ ન બન્યો હોય, જન્મજાત આંતરડામાં તકલીફ હોય , કોઈ બાળક ઓછા વજનના કારણે જીવન -મરણ વચ્ચે સંઘર્ષ કરી રહ્યું હોય આવા બાળકોની સર્જરી કરવામાં આવે છે. તબીબી ટીમની કુશળતાના કારણે જ કોરોના સમયગાળામાં ૬૦ દિવસમાં વિકટ પરિસ્થિતિઓ વચ્ચે પણ ૧૦૨ સફળ સર્જરી સફળતાપૂર્વક કરાઈ છે.

તેઓ ઉમેરે છે કે પી.પી.ઈ. કીટ પહેરીને નવજાત શિશુની સર્જરી કરવી તે ખૂબ જ પડકારજનક છે. ઓપરેશન થિયેટરનું તાપમાન નવજાતને માફક આવે તે પ્રમાણે ગોઠવવાનું હોય છે એવામાં પી.પી.ઈ. કીટ પહેરીને જે સશસ્ત્રક્રિયા કરાય છે તે અત્યંત પડકાર જનક છે. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે બાળરોગ વિભાગ દ્વારા સર્જરી કરીને અનેક નવજાત બાળકોને નવજીવન આપ્યું છે.