ગુજરાત

ગુજરાતમાં વિદ્યાર્થીઓના શિક્ષણને લઈને રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 15 જૂનથી ડીડી ગીરનાર પર શરૂ થશે વિષયવાર શિક્ષણ

521views

કોરોના સંકટ વચ્ચે વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહી તે માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ગાંધીનગરમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી કે 15 ઓગસ્ટ સુધી શાળા-કોલેજો શરૂ નહી કરવા કેન્દ્ર સરકારનો આદેશ છે. ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે રાજ્ય સરકાર ઘરે શીખીએ અભિયાન શરૂ કરવા જઈ રહી છે. જે અંતર્ગત ડીડી ગીરનાર ચેનલના માધ્યમથી વિદ્યાર્થીઓને શિક્ષણ અપાશે. જેમાં ધોરણ 3થી 8 અને ધોરણ 9થી 12ના વર્ગોનું શિક્ષણ અપાશે. શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે ડીડી ગીરનાર પર 15 જૂનથી રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના હસ્તે આ અભિયાનની શરૂઆત કરાવાશે. જેમાં જે તે વિષય નિષ્ણાંત શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ અપાશે. ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓ માટે 30 મિનિટ અને ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે દરરોજ એક કલાક શિક્ષણ અપાશે.

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે જે વિદ્યાર્થીઓના ઘરે ટેલિવીઝનની સુવિધા નથી તેવા વિદ્યાર્થીઓ માટે ઘરેથી શીખી શકાય તેવું મટીરીયલ તૈયાર કરાઈ રહ્યું છે. આવા વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા મટીરિયલ પુરુ પાડવામાં આવશે. તેમજ 35 વિદ્યાર્થીઓ વચ્ચે 1 શિક્ષક હોય તે પ્રકારનું આયોજન પણ કરાયું છે. વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહી તે હેતુથી આ અભિયાનની શરૂઆત થવા જઈ રહી છે.