દેશ

GST કાઉન્સિલનો મહત્વનો નિર્ણય, ટેક્સની ચૂકવણી અને રીટર્ન ફાઈલિંગની લેટ ફીમાં મોટી રાહત

864views

GST કાઉન્સિલની 40મી બેઠકમાં કરોડો ટેક્સ પેયર્સ માટે રાહતનો નિર્ણય લેવાયો છે. બેઠક બાદ મીડિયાને સંબોધતા નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું કે જૂલાઈ 2017થી લઈને જાન્યુઆરી 2020 સુધી એટલે કે કોરોના વાયરસ સંક્રમણ શરૂ થયાના પહેલા જે પણ વેપારીઓને ટેક્સની ચૂંકવણી બાકી હતી તેને લેટ ફીમાં રાહત આપી છે. નાણાંપ્રધાને જણાવ્યું કે જુલાઈ 2017થી લઈને જાન્યુઆરી 2020 સુધી ટેક્સ લાયેબિલીટી હોવા છત્તા જે પણ ટ્રેડર્સે GST-3B ફાઈલ નથી કર્યું તેના પર હવે મહત્તમ 500 રૂપિયા જ લેટ ફી લાગશે. આ જોગવાઈનો લાભ 1 જુલાઈ 2020 થી લઈને 30 સપ્ટેમ્બર સુધી રિટર્ન ફાઈલ કરનારને મળશે.

નાણાંપ્રધાન કહ્યું કે જે વેપારીઓનું ટર્નઓવર 5 કરોડ રૂપિયા સુધી છે અને જો તેઓ મે, જૂન અને જૂલાઈ માટેનું GSTR-3B સપ્ટેમ્બર સુધી ફાઈલ કરે તો તેમના કોઈ લેટ ફી કે વ્યાજ નહી લાગે. નાણાંપ્રધાને કહ્યું કે જૂલાઈ 2017થી લઈને જાન્યુઆરી 2020 સુધી મોટી સંખ્યામાં રીટર્ન પેન્ડીંગ હતા. એવા લોકો કે જેમના પર કોઈ ટેક્સ લાયેબિલીટી નથી અને આ દરમ્યાન તેઓએ પોતાનુ રિટર્ન ફાઈલ નથી કર્યુ તો તેના પર કોઈ લેટ ફી નહી લાગે. આવા વેપારીઓ માટે લેટ ફી ઝીરો કરી દેવાઈ છે. હવે જુલાઈમાં જીએસટી કાઉન્સિલની બેઠક યોજાશે જેમાં રાજ્યોને વળતર પર ચર્ચા કરાશે. જોકે આ બેઠક ક્યારે મળશે તેની તારીખ નક્કી કરાઈ નથી.