ગુજરાત

કોરોના ટેસ્ટના 4500 રૂપિયા લીધા તો AMCએ ફટકાર્યો 5 લાખનો દંડ, ખાનગી હોસ્પિટલો નિયમોનો ભંગ કરશે એ નહી ચલાવી લેવાય

580views

કોરોના જેવી મહામારી સમયે નફાખોરી અને નિયમ વિરુદ્ધ ચાર્જ વસુલતી હોસ્પિટલો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લાલ આંખ કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે એમઓયુ થયા બાદ પણ તંત્ર દ્વારા મોકલાયેલા દર્દીઓને સારવાર આપવાનો ઈન્કાર કરી તેની પાસેથી ટેસ્ટના 4500 રૂપિયા વસુલનાર હોસ્પિટલને દંડ ફટકાર્યો છે. મ્યુનિસિપલના રિઝર્વ બેડ પર પોતાના પેશન્ટોને રાખી પેશન્ટ અને મ્યુનિસિપલ એમ બન્ને પાસેથી વસુલનારી પાલડીની બોડીલાઈન અને આંબાવાડીની અર્થમ હોસ્પિટટને પાંચ-પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે. સાથે જ જો ભવિષ્યમાં આવી ભૂલ થશે તો આવી હોસ્પિટલોને તેમના સી-ફોર્મ રજીસ્ટ્રેશન પણ રદ્દ કરવાની ચેતવણી AMCએ આપી છે.

મળતી માહીતી પ્રમાણે, કોરોનાના અમદાવાદમાં વધતા કેસોને ધ્યાનમાં લઈ 42 જેટલી ખાનગી હોસ્પિટલો સાથે MOUકરવામાં આવ્યા છે. નવા વિકાસગૃહ,પાલડી ખાતે આવેલી બોડીલાઈન હોસ્પિટલે મ્યુનિ.સાથે 22 મેના રોજ MOU થયુ હોવા છતાં મ્યુનિ. એ રીફર કરેલા દર્દી પાસેથી કોવિડ-19ના ટેસ્ટના નામે રૂપિયા 4500ની રકમ વસુલી હતી. આ ઘટનાની જાણ થતા એએમસીએ તાત્કાલિક કાર્યવાહી કરી છે.

આ મામલે હોસ્પિટલને 4 જૂનના રોજ નોટિસ પણ મોકલાઈ હતી પરંતુ હોસ્પિટલ દ્વારા જે જવાબ મોકલાયો તેને એએમસીએ ગ્રાહ્ય રાખ્યો ન હતો. તેમજ એપેડેમીક ડીસીઝ એકટ-1897 અંતર્ગત રૂપિયા 5 લાખની રકમ સાત દિવસમાં ચુકવી આપવા આદેશ કર્યો છે. આ રકમનો ઉપયોગ કોવિડના પેશન્ટોની સારવાર પાછળ ખર્ચાશે.

અમદાવાદમાં આંબાવાડી ખાતે આવેલી અર્થમ હોસ્પિટલે પણ MOUનો ભંગ કરી પચાસ ટકા હોસ્પિટલના અને પચાસ ટકા મ્યુનિસિપલના બેડ રાખવાની શરત હોવા છતાં AMCના કવોટાના બેડ પર પ્રાઈવેટ પેશન્ટો રાખ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતુ. આ હોસ્પિટલને પણ રૂપિયા પાંચ લાખની રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.