ગુજરાત

સૌરાષ્ટ્રમાં મેઘમહેર, નદીઓમાં આવ્યા નવી નીર, ખેડૂતોમાં ફેલાઈ હરખની હેલી

130views

ભાવનગરના મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સતત છઠ્ઠા દિવસે મેઘમહેર જોવા મળી રહી છે. મહુવા શહેરમાં આજે ફરી મેઘરાજા મન મૂકી વરસી રહ્યા છે. લોકો પણ વરસાદને લઈ ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીથી રાહત મળી છે. મહુવા અને ઉપરવાસમાં થઈ રહેલા વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઈ છે.

આ ઉપરાંત તળાજા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. તળાજાના દિહોર, બેલા સહિતના ગામોમાં ધોધમાર વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાયા છે. મોસમની શરૂઆતથી સારો વરસાદ પડતો હોવાથી ખેડૂતો ખુશખુશાલ છે અને આ વર્ષે પાક સારો થશે તેવી આશા છે.

તો આ તરફ રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદથી બર્બટાણા ગામની ઘીયળ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. બે દિવસથી ઉપરવાસમાં સારા વરસાદથી ખેતરો પાણી પાણી થયા છે. ધારી અને ચલાલા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ચલાલા શહેરમાં ધોધમાર વરસાદથી શેરીઓમાં પાણી વહેતા થયા હતા.