દેશ

લોકડાઉનમાં ઘરે પરત આવેલા મજૂરોને રોજગારી માટે મોદી સરકારનો મેગા પ્લાન તૈયાર, ઘર આંગણે જ મળશે આજીવિકા

276views

લોકડાઉનના પગલે મજૂરો પોતાના વતન પરત ફર્યા છે હવે તેમની સામે આજીવિકાના સૌથી મોટો પ્રશ્ન બન્યો છે. આ માટે મોદી સરકારે પ્રવાસી મજૂરો માટે મેગા એક્શન પ્લાન તૈયાર કર્યો છે. લોકડાઉનમાં જ્યાં સૌથી વધુ મજૂરો પરત ફર્યા છે તેવા 6 રાજ્યોના 116 જિલ્લાઓને અલગ તારવીને યોજના બનાવાઈ છે. આ યોજના હેઠળ પ્રવાસી મજૂરોના પ્રવાસી મજૂરોના પુનર્વસન અને રોજગાર માટે સંપૂર્ણ બ્લુ પ્રિન્ટ તૈયાર કરાઈ છે.

સરકાર 116 જિલ્લાઓમાં કેન્દ્ર સરકારની સોશિયલ વેલફેર અને ડાયરેક્ટ બેનિફિટ સ્કીમને ઝડપથી મિશન મોડમાં ચલાવશે. તેનો ઉદ્દેશ્ય ઘરે પાછા ફરેલા પ્રવાસી મજૂરો માટે આજીવિકા, રોજગાર, કૌશલ વિકાસ અને ગરીબ કલ્યાણ સુવિધાઓનો લાભ સુનિશ્ચિત કરવાનો છે. આ જિલ્લાઓમાં મનરેગા, સ્કિલ ઈન્ડિયા, જનધન યોજના, કિસાન કલ્યાણ યોજના, ખાદ્ય સુરક્ષા યોજના, પીએમ આવાસ યોજના સહિતની અન્ય કેન્દ્રીય યોજનાઓ અંતર્ગત મિશન મોડમાં કામ કરાશે.

આ સિવાય તાજેતરમાં જ જાહેર કરાયેલા આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત આ જિલ્લાઓમાં ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે બાકી કેન્દ્રીય યોજનાઓને પણ નિશ્ચિત રૂપથી લાગુ કરાશે. કેન્દ્ર સરકારના મંત્રાલયોને પણ બે સપ્તાહની અંદર આ જિલ્લાઓને ધ્યાનમાં રાખીને યોજનાઓનો પ્રસ્તાવ તૈયાર કરી પીએમઓ મોકલવા કહેવાયું છે.

કેન્દ્ર સરકારે 116 જિલ્લાઓની પસંદગી કરી છે જેમાં સૌથી વધારે 32 જિલ્લા બિહારના છે. ત્યારબાદ યુપીના 31, મધ્ય પ્રદેશના 24, રાજસ્થાનના 22, ઝારખંડના 3 અને ઓડિશાના 4 જિલ્લા છે.