દેશ

ચીન સાથે લેફ્ટનન્ટ જનરલ સ્તરની બેઠકમાં ભારતની સ્પષ્ટ વાત, ચીની સૈનિકો અગાઉ જ્યાં હતા ત્યાં જ જતા રહે

147views

સરહદે ભારત અને ચીન વચ્ચે તંગદીલી વધી રહી છે, આ સ્થિતિ વચ્ચે બન્ને દેશોના કમાંડરો વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ભારતીય સૈન્યના કમાંડરે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ છે કે એપ્રિલ મહિનામાં ચીની સૈનિકો જે સ્થાને હતા ત્યાં જ જતા રહે, ચીની સૈનિકો હાલ જે જગ્યાએ છે તેને ખાલી કરી દે અને આ પ્રકારની ઘુસણખોરી ભારત સહન નહીં કરી લે.

ભારત વતી લેફ્ટનંટ જનરલ હરિંદરસિંહે પ્રતિનિધિત્વ કર્યું હતું, તેમની સાથે બ્રિગેડિયર ઓપરેસન્સ અને બે ચાઇનીઝ ઇંટરપ્રેટર પણ હાજર હતા. ચીન તરફથી સાઉથ શિનજિયાંગ મિલિટ્રી કમાંડના કમાંડર મેજર જનરલ લિયો લિન હાજર રહ્યા હતા. મોલ્ડોમાં ત્રણ કલાક સુધી બન્ને દેશના અધિકારીઓ વચ્ચે આ બેઠક ચાલી હતી. ચીને આ બેઠકમાં ભારતને રસ્તાનું જે નિર્માણ કામ ચાલી રહ્યું છે તેને અટકાવવા કહ્યું. જોકે ભારતે જવાબમાં આ અંગે વાંધો ઉઠાવ્યો હતો અને કામ અટકાવવાની ના પાડી દીધી હતી.

આ બેઠકની બ્રીફિંગ ડાયરેક્ટર જનરલ મિલિટ્રી ઓપરેશન અને ભારતીય સૈન્યના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેને સોપવામાં આવશે. આ જ જાણકારી વિદેશ મંત્રાલય ઉપરાંત એનએસએ અજિત દોભાલને પણ અપાશે. આ પહેલા સાત વખત ભારત ચીનના સૈન્ય અધિકારીઓની વચ્ચે આ પ્રકારની વાતચીત થઇ ચુકી છે. એપ્રિલમાં ચીન જે સ્થાને હતું ત્યાં જ જતું રહે તેવી સ્પષ્ટ ચેતવણી ભારતે આ બેઠકમાં ચીનના પ્રતિનિધિને આપી દીધી હોવાના અહેવાલો છે. આ બેઠકમાં પેંગોગ લેક અને ફિંગર ફાઇવ ચીન દ્વારા જે દબાણ કરવામાં આવી રહ્યું છે તે અંગે અને સૈન્યની સંખ્યા વધારી દીધી તે મુદ્દે ભારતે વાંધો ઉઠાવ્યો હતો. સાથે જ ચીને જે ટેંટ અને ઉપરાંત કાયમી સ્ટ્રક્ચર આ વિસ્તારમાં ઉભા કરી દીધા છે તેનો વિરોધ નોંધાવ્યો હતો.