ગુજરાત

ગુજરાત સરકારની શુભ શરૂઆત, સાઘન સામગ્રી માટે અપનાવ્યો કરકસરનો મંત્ર, એક વર્ષમાં 870 કરોડ રૂપિયાની થશે બચત

168views

ઈકોનોમિક વિવાઈવલ માટે અઢિયા સમિતિએ આપેલા વચગાળા અહેવાલ મુજબ ગુજરાત સરકારે સરકારી સેવાઓમાં કાપ મુકવાની શરૂઆત કરી દીધી છે. નાણાંવિભાગે ગુજરાત સરકાર અને રાજ્યની ગ્રાન્ટ મેળવતી તમામ સંસ્થાઓ, એકમોમાં મંજૂર કરેલા નવા વાહનો, ઈલેક્ટ્રોનિક સાધનો તેમજ ફર્નિચરની ખરીદી ઉપર 31 માર્ચ 2021 સુધી પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે આ કરકસરથી સરકારના ખર્ચમાં 870 કરોડ રૂપિયાની બચત થશે.

આ અંગે પ્રસિદ્ધ થયેલા ઠરાવમાં જણાવાયું છે કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ સિવાય તમામ વિભાગો તેને આધીન રાજ્યભરમાં આવેલી કચેરીઓ, જાહેર સાહસો, મંડળ, બોર્ડ નિગમો, કંપનીઓ, સ્વાયત્ત સંસ્થાઓ, પાલિકા- પંચાયત જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તેમજ યુનિવર્સિટી ગ્રાન્ટ ઈન એઈડ સંસ્તાઓમાં અગાઉ મંજૂર કરેયલી તમામ નવા વાહનોની ખરીદી 31 માર્ચ સુધી સ્થગિત કરાઈ છે. આ ઉપરાંત આઉટસોર્સ કે ભાડેથી વાહન મેળવવાનું પણ બંધ રહેશે. સરકારી સેવામાં કોમ્પ્યુટર, પ્રિન્ટર, ઝેરોક્ષ મશીન, એરકન્ડીશ સહિતના મશીનો તેમજ ઈલેટ્રોનિક્સ સાધનોની ખરીદી બંધ રહેશે.

અધિકારીઓ-કર્મચારીઓને એસી, કૂલર, કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ જેવી કાર્યાલય સેવાઓના વપરાશ માટે પણ સરકારની સુચનાઓનું સંપૂર્ણ પાલન કરવા તાકીક કરાઈ છે. જે કચેરીઓમાં ફર્નિચરના ટેન્ડર ઈશ્યૂ ન થયા હોય ત્યાં ખરીદી બંધ રહેશે. એક અંદાજ પ્રમાણે વ્હીકલ ખરીદીથી 186 કરોડ, ફર્નિચર ઈક્વિપમેન્ટથી 151 કરોડ અને કોમ્પ્યુટર આઈટી ખરીદી સ્થગિત થતા 533 કરોડ રૂપિયાની બચત થશે.