દેશ

સદસ્યતાના નામે કરોડો રૂપિયા ઉઘરાવીને ઠગાઈ કરનાર યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત 4 સામે જોધપુરમાં FIR

509views

રાજસ્થાનમાં કોંગ્રેસની વધુ એક પોલ બહાર આવી છે. ભારતીય રાષ્ટ્રીય યુથ કોંગ્રેસમાં સંગઠનાત્મક ચૂંટણીને લઈને ઉઠેલો વિવાદ આર્થિક અનિયમિતતા અને ઠગાઈના આરોપ સાથે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. આ મામલામાં યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બી. વી. શ્રીનિવાસ, રાષ્ટ્રીય પ્રભારી કૃષ્ણા અલ્લવરૂ સહિત 4 પદાધિકારીઓની સંડોવણી સામે આવી છે. આ મામલે રાજસ્થાનમાં જોધપુરના ભોપાલગઢ પોલીસ સ્ટેશનમાં રામચંદ્ર જલવાનિયાએ યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસની સાથે સાથે યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રભારી કૃષ્ણા અલ્લવરૂ, તરૂણ ત્યાગી, અને યુથ કોંગ્રેસ ચૂંટણીના પ્રદેશ રિટર્નિંગ ઓફિસર રહેલા જગદીશ સંધૂ વિરુદ્ધ ફરિયાદ કરી છે.


મળતી માહિતી પ્રમાણે ભોપાલગઢ પોલીસ સ્ટેશનમાં 4 જૂને 2020 રામચંદ્ર જલવાનિયા તરફથી દાખલ કરાયેલી એફઆઈઆરમાં ચારેય પદાધિકારીઓ પર ગંભીર આરોપ લગાવાયો છે. એફઆઈઆરમાં કહેવાયું છે કે આ પદાધિકારીઓની વાતોમાં આવીને સમગ્ર રાજ્યમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ 5 લાખ સભ્યો બનાવ્યા હતા. એટલું જ નહી સદસ્યતાથી 6 કરોડ 25 લાખ રૂપિયા પણ એક્ઠા કરીને આ પદાધિકારીઓને આપ્યા હતા.

ફરિયાદીએ જણાવ્યું કે 22 અને 23 ફેબ્રુઆરીએ ઓનલાઈન ચૂંટણી પછી 3 માર્ચે જાહેર થયેલા પરિણામો એક મહિના પછી 7 એપ્રિલે જ બદલી દેવાયા. પહેલા અધ્યક્ષ સુમિત ભગાસરાને 46,304 વોટ અને મુકેશ ભાકરને 23,349 વોટ મળ્યા હતા. પરંતુ બાદમાં વર્તમાન અધ્યક્ષ મુકેશ ભાકરને વિજેતા જાહેર કરાયા. આરોપીઓએ સ્વતંત્ર તપાસ એજન્સી પાસે તપાસ કરાવ્યા વગર જ કહી દીધુ કે એપ્લિકેશન હેક થવાના કારણે પરિણામ બદલવું પડ્યું. જેને લઈને યુથ કોંગ્રેસના સ્થાનિક કાર્યકરોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

તો આ તરફ ભોપાલગઢ પોલીસ સ્ટેશનના પ્રભારી રાજેન્દ્ર ખદાવે જણાવ્યું કે કોંગ્રેસના કાર્યકર્તાઓએ રાષ્ટ્રીય યુથ કોંગ્રેસની કાર્યકારિણીના પદાધિકારીઓ પર રૂપિયા હડપવાનો આરોપ લગાવીને ફરિયાદ દાખલ કરાવી છે. હાલ પોલીસે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.