દેશબીઝનેસ

ભારતીય કંપનીઓમાં ઉજ્જવળ ભવિષ્ય જોતી વિદેશી કંપનીઓ, દોઢ મહિનામાં રિલાયન્સ જીયોનો 19.9 ટકા હિસ્સો ખરીદ્યો

369views

આત્મનિર્ભર ભારત સંકલ્પ માટે સરકાર લીધેલા પગલાઓ વિદેશી કંપનીઓને ભારત તરફ ખેંચી લાવી છે. ખાસ કરીને દેશમાં ડિજિટલ સેક્ટરમાં રહેલી તકોને ધ્યાને રાખીને વિદેશી કંપનીઓ ભારતીય કંપનીઓમાં હિસ્સો ખરીદવા પડાપડી કરી રહી છે. છેલ્લા દોઢ મહિનામાં રિલાયન્સ જિયોમાં એક પછી એક વિદેશી કંપનીઓ હિસ્સો ખરીદી રહી છે.

શુક્રવારે અબુધાબીની ઈન્વેસ્ટમેન્ટ કંપની મુબાદલાએ શુક્રવારે રિલાયન્સના ડીજીટલ આર્મ્સ જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડમાં 9093.6 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી તેના એક દિવસ બાદ જ ટેક્નોલોજી અને ટેક્નોલોજી કંપનીઓમાં રોકાણ કરતી અમેરિકાની પ્રાઈવેટ ઇક્વિટી ફર્મ સિલ્વર લેક પાર્ટનર્સે જિયો પ્લેટફોર્મ્સમાં વધુ 4546.80 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે.

અગાઉ 4 મે, 2020ના રોજ સિલ્વર લેક દ્વારા 5655.75 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરાઈ હતી. આમ સિલ્વર લેક અને તેના સાથી રોકાણકારો દ્વારા જિયો પ્લેટફોર્મ્સમાં કુલ 10,202.55 કરોડ રૂપિયાનું રોકાણ થશે. સિલ્વર લેકના ઈન્વેસ્ટમેન્ટથી જિયો પ્લેટફોર્મ્સની ઇક્વિટી વેલ્યૂ 4.91 લાખ કરોડ રૂપિયા અને એન્ટરપ્રાઇઝ વેલ્યૂ 5.16 લાખ કરોડ રૂપિયા થઈ જશે. સાથે જ જિયો પ્લેટફોર્મ્સમાં સંપૂર્ણ ડાયલ્યૂટેડ બેઝિઝ પર ઇક્વિટી હિસ્સો 2.08% થશે. આ મૂડીરોકાણ સાથે જિયો પ્લેટફોર્મ્સે માત્ર દોઢ મહિનામાં વિશ્વના ટોચના રોકાણકારો પાસેથી કુલ 92,202.15 કરોડ રૂપિયાનું રોકાણ મેળવ્યું છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું કે, કોવિડ-19 મહામારીના સમયગાળામાં માત્ર પાંચ જ અઠવાડિયા દરમિયાન જિયો પ્લેટફોર્મ્સમાં સિલ્વર લેક દ્વારા વધારાનું મૂડીરોકાણ કરાયુ તે ભારતીય અર્થતંત્રની સશક્ત આંતરિક સ્થિતિ સ્થાપક્તાને સમર્થન આપે છે.