ગુજરાત

આંતર માળખાકિય સુવિધામાં ગુજરાતની આગેકૂચ, વધુ 8 ટાઉન પ્લાનિગં સ્કીમોને મંજૂરી

286views

કોરોના સંકટની સાથે સાથે ગુજરાત સરકાર એક પછી એક આર્થિક વિકાસને લગતા મહત્વના નિર્ણયો લઈ રહી છે. ગુજરાતમાં આંતર માળખાકીય સેક્ટર મજબૂત થાય તે માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં વધુ 8 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરીઓ આપી છે. જેમાં અમદાવાદ, વડોદરા અને ગોંડલનો સમાવેશ થાય છે.

સીએમ રૂપાણીએ મંજુર કરેલી ટી.પી.સ્કીમોમાં અમદાવાદની ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં.૧૫૪ (સાંતેજ), નં.૧૨૩/એ (નરોડા), નં.૧૨૩/બી નરોડા અને પ્રીલીમીનરી ટી.પી. સ્કીમ નં.૮૫ (વટવા-૫) તેમજ ફાયનલ ટી.પી.નં.૩ (રાણીપ)નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ગોંડલ શહેરની ટી.પી. સ્કીમ નં.૧, સુરતની ટી.પી.સ્કીમ નં.૫૭ (ખરવાસા-એકલેરા) અને વડોદરાની ટી.પી. સ્કીમ નં.૧૭ (સૈયદ વાસણા) પણ મંજૂર કરી છે.

ઔડા વિસ્તારની મંજુર કરાયેલી ડ્રાફ્ટ ટી.પી. ૧૫૪ (સાંતેજ)નો આશરે વિસ્તાર ૧૦૬ હેકટર્સ છે. આ સ્કીમમાં સત્તામંડળને જાહેર હેતુ માટે ૧,૮૫,૮૦૦ ચો.મી.ના કુલ ૩૭ જેટલા પ્લોટ સંપ્રાપ્ત થશે જેમાં જાહેર સુવિધા, ખુલ્લી જગ્યા, બાગ બગીચા, સ્ટ્રીટ વેન્ડર્સ/હોકર્સ માટે તેમજ સામાજીક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ સહિત આંતરમાળખાકીય સવલતો ઉભી કરવા વેચાણના હેતુના પ્લોટો પ્રાપ્ત થશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવિષ્ટ નરોડા વિસ્તારની આશરે ૧૦૦.૦૦ હેકટર્સની ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ નં.૧૨૩/એ અને ૧૨૩/બી (નરોડા)ને પણ મંજુરી આપવામાં આવી છે. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સમાવિષ્ટ પૂર્વ વિસ્તારની ટી.પી. સ્કીમ નં.૮૫ (વટવા-૫) મંજુર થતાં આશરે ૮૫.૦૦ હેકટર્સ વિસ્તારના આયોજનને આખરી ઓપ મળેલ છે.

આ મંજુર કરાયેલી વટવાની ટી.પી.૮૫ માં વેચાણના હેતુ માટે ૬૯,૦૭૯ ચો.મી., આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે ૨૨,૪૧૪ ચો.મી, જાહેર હેતુ માટે ૩૬,૨૯૫ ચો.મી. તથા બાગ-બગીચા, મેદાનો માટે ૧૮,૬૪૪ ચો.મી. જમીન મળી કુલ ૧,૪૬,૪૩૨ ચો.મી. પ્રાપ્ત થશે.
વર્ષોથી અટવાઇ રહેલી ટી.પી.ની પણ વારંવાર સમીક્ષા કરતા રાણીપ નં.૩ ની ફાઈનલ ટી.પી. વર્ષોથી બોર્ડ ઓફ અપીલમાં પેન્ડીંગ હતી. તેમાં નિર્ણય લેવાતા, એક જ દિવસમાં મુખ્યમંત્રી કક્ષાએથી તેની મંજુરી આપી ત્વરિત કામગીરી કરાઈ છે.

સૌરાષ્ટ્રના રાજાશાહી વખતના સુઆયોજીત શહેર ગોંડલની શોભામાં યશકલગી ઉમેરતા આશરે ૭૩.૦૦ હેકટર્સની પ્રારંભિક ટી.પી. નં.૧ ગોંડલને પણ મંજૂરી આપી છે. આ અન્વયે કુલ ૫૭ જેટલા પ્લોટો ગોંડલ નગરપાલિકાને જાહેર હેતુના વિવિધ ઉપયોગ માટે મળશે જેનુ ક્ષેત્રફળ આશરે ૭૪,૮૭૪ ચો.મી. જેટલુ છે, તદ્ઉપરાંત રસ્તાની આશરે ૭૩,૬૮૦ ચો.મી. જમીન પણ નગરપાલિકાને ટી.પી. સ્કીમ મારફતે પ્રાપ્ત થતા, નાના શહેરોમાં ટી.પી. સ્કીમથી સ્થાનિક સંસ્થાને મળતી આંતરમાળખાકીય સવલતોનો વધારો દિશાદર્શક બનશે.

વડોદરા શહેરની ૬૦.૮૫ હેકટર્સ વિસ્તારની ટી.પી. સ્કીમ નં.૧૭ (સૈયદ વાસણા)ને પણ મંજુરી આપતા સ્થાનિક સત્તામંડળને ૩૩,૬૧૫.૦૦ ચો.મી.ના ૨૪ જેટલા જાહેર હેતુના પ્લોટો સંપ્રાપ્ત થવાના છે. એટલું જ નહિ, સુરત શહેરના નવા ૯૦.૦૦ મીટરના રીંગરોડના ઝડપી અમલીકરણના ભાગરૂપે લોકડાઉન પહેલાં જ તા.૨૦/૦૨/૨૦૨૦ના રોજ ટી.પી.ઓ દ્વારા જાહેર કરાયેલ પ્રારંભિક યોજનાને ત્રણ જ મહિનામાં આશરે ૧૭૧ હેકટર્સની સ્કીમને મંજુરી અપાયેલી છે.

આ ટી.પી. મંજુર થતા સત્તામંડળના રસ્તા માટે આશરે ૩૬.૦૦ હેકટર્સ જમીન તથા જાહેર સુવિધા માટે ૬૨,૪૫૪ ચો.મી., ખુલ્લી જગ્યા/બાગબગીચા/પાર્કીંગ માટે ૬૩,૧૭૧ ચો.મી., આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ માટે ૪૪,૨૧૫ ચો.મી. તથા વેચાણના હેતુ માટે આશરે ૧,૬૬,૮૬૩ ચો.મી. જમીન મળી કુલ ૩,૩૬,૭૦૩ ચો.મી.ના ચાલીસ પ્લોટો સત્તામંડળને સંપ્રાપ્ત થવાની છે.