દેશ

ઓસ્ટ્રેલિયન વડાપ્રધાને વખાણી ગુજરાતી ખીચડી, ભારત સાથે પ્રથમ વર્ચ્યુઅલ સમિટમાં કર્યો ‘મોદી હગ’નો ઉલ્લેખ

187views

કોરોના સંકટ વચ્ચે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વખત વર્ચ્યુઅલ સમિટ યોજાઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયના વડાપ્રધાન સ્કોટ મોરિસને આજે વર્ચ્યુઅલ બેઠક કરી. જેમાં બન્ને દેશો વચ્ચે દ્વીપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાનો મુખ્ય મુદ્દો રહ્યો.

જોકે વર્ચ્યુઅલ સમિટમાં બન્ને નેતાઓ હળવા અંદાજમાં પણ જોવા મળ્યા. પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીના વખાણ કરતા કહ્યું કે તમે જે રીતે ભારતીય સમુદાય અને વિદ્યાર્થીઓનું કોરોના મહામારી વચ્ચે ધ્યાન રાખ્યું તેના માટે હું આભારી છું. સામે પક્ષે ઓસ્ટ્રેલિયાના PM મોરિસને કહ્યું તેઓ ‘મોદી હગ’ માટે આતુર છે અને જ્યારે પણ મળીશું ત્યારે ગુજરાતી ખીચડીનો સ્વાદ માણીશું. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા મોરિસને સમોસા સાથે પોતાનો ફોટો ટ્વિટ કરી કહ્યુ હતું કે ‘મે તેને કેરીની ચટણી સાથે તૈયાર કર્યા છે. આ શાકાહરી છે. આ સપ્તાહમાં પ્રધાનમંત્રી મોદી સાથે વીડિયો લિંક દ્વારા બેઠક કરીશ. જો આવું ન થયું હોત તો હું તેમની સાથે આ શેર કરવાનું પસંદ કરત’. ટ્વિટમાં તેમણે મોદીને પણ ટેગ કર્યા હતા.

વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન આ વર્ષે જાન્યુઆરી અને મે મહિનામાં ભારત આવવાના હતા. પરંતુ જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયાના જંગલોમાં આગ લાગવાના કારણે અને મે મહિનામા કોરોનાના કારણે ન આવી શક્યા. જોકે છેલ્લા પાંચ વર્ષોમાં બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષી સંબંધો મજબૂત બન્યા છે. સપ્ટેમ્બર 2014માં ઓસ્ટ્રેલિયાના તત્કાલિન વડાપ્રધાન ટોની એબોટે ભારતનો પ્રવાસ કર્યો હતો. નવેમ્બર 2014માં મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયા હતા.