તાજા સમાચારદેશ

જમીનથી લઇને આકાશમાં પણ અભેદ્ય બની PM મોદીની સુરક્ષા, જુઓ PM મોદીનો હવામાં ઉડતો અભેદ્ય કિલ્લો

458views

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા હવે હવામાં પણ અભેદ્ય બનવા જઈ રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે સુપરજેટ ‘એર ઇન્ડિયા વન’ અમેરિકામાં બનીને તૈયાર થઈ ગયું છે. માનવામાં આવી રહ્યું છે કે, આ મહિને એર ઇન્ડિયા વન વિમાન ભારતને સોંપવામાં આવશે. વડાપ્રધાન મોદીના આ ‘સુપર જેટ’માં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જેમ સુરક્ષા વ્યવસ્થા બનાવવામાં આવી છે. આ સુપર જેટ હવામાં ‘ઉડતા કિલ્લા જેવું છે.

ભારત-અમેરિકા વચ્ચે 1,300 કરોડના કરાર

વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને લઇ જવા માટે એર ઈન્ડિયાના બે નવા બોઇંગ 777-300 વિમાન ગત દિવસોમાં ખરીદવામાં આવ્યા હતા. સલામતી માટે હવે આ વિમાનમાં ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે. દેશી ‘એરફોર્સ વન’ માટે ભારતે અમેરિકા સાથે 1,300 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ અંતર્ગત બે સેલ્ફ પ્રોટેક્શન સૂટ પણ ખરીદવામાં આવ્યા છે. આ સુટ્સ એર ઇન્ડિયા વન વિમાનમાં લગાવવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બે વિમાનમાંથી એક વિમાન તૈયાર થઈ ગયું છે અને તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

ટ્રમ્પના એરફોર્સ વનની જેવી જ સુરક્ષા મોદીના વિમાનની

આ વિમાનની તસવીર હવે સોશિયલ મીડિયા પર જોરદાર શેર કરવામાં આવી રહી છે. પીએમ નરેન્દ્ર મોદીનું આ અત્યાધુનિક બોઇંગ-777 વિમાન સંપૂર્ણ રીતે એકીકૃત મિસાઇલ સંરક્ષણ પ્રણાલીથી સજ્જ છે. તેમાં વિશેષ સેન્સર છે જે મિસાઇલ એટેક વિશે તાત્કાલિક માહિતી આપશે. ત્યારબાદ ડિફેન્સિવ ઈલેક્ટ્રોનિક વોરફેયર સિસ્ટમ સક્રિય થઈ જશે. આ સંરક્ષણ પ્રણાલીમાં ઇન્ફ્રા રેડ સિસ્ટમ, ડિજિટલ રેડિયો ફ્રીક્વન્સી જામર વગેરે લગાવાયા છે. આ સુવિધાઓ જેવી અમેરિકન રાષ્ટ્રપતિ વિમાનમાં છે તેવી જ છે. જો કે ટ્રમ્પનું વિમાન ઘણી બાબતોમાં એર ઇન્ડિયા વન કરતા વધુ અદ્યતન છે.