ગુજરાત

આદિવાસીઓના ખભે બંદૂક રાખીને રાજનીતિ કરતી કોંગ્રેસને ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આપ્યો રોકડો જવાબ

121views

ગમે તેમ કરીને આદિવાસીઓને સરકાર વિરુદ્ધ ભડકાવવાનો કોંગ્રેસ વધુ એક પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડિયાના આદિવાસીઓને ગેરમાર્ગે દોરીને કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે. તેમ જણાવતા રાજ્યના ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે હાઈકોર્ટના ચૂકાદા મુજબ કેવડિયા ખાતે આદિવાસીઓના વિકાસ માટે કામગીરી ચાલી રહી છે. આદિવાસીઓને સહાયરૂપ થતા સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા તૈયાર કરાયેલું પેકેજ સત્વરે પુરુ પડાશે.

નર્મદા ડેમના અસરગ્રસ્તોને સરકારી તંત્ર દ્વારા હેરાન કરાતા હોવાનો કોંગ્રેસના આક્ષેપોનો જવાબ આપતા પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અસરગ્રસ્તોને કોઈપણ જાતનો અન્યાય ન થાય અને તેમની પર કોઈ અમાનવીય કૃત્ય ન થાય તે માટે સરકાર હંમેશા પ્રયન્સશીલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ તેમજ નર્મદા નિગમ દ્વારા પ્રવાસન સંદર્ભે સ્થાનિક આગેવાનો સાથે પરામર્શ કરીને જ વિકાસના વિવિધ કાર્યો હાથ ધરાયા છે. આવા સમયે કોંગ્રેસે આદિવાસીઓના ખભે બંદૂક મુકીને રાજનીતિ ન કરવી જોઈએ.

મહત્વનું છે કે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડિયા કોલોની વિસ્તારના 6 ગામોમાં વહીવટીતંત્ર દ્વારા સર્વે અને ફેન્સિંગની કાર્યવાહી ચાલી રહી છે. જેનો કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. કોંગ્રેસના 8 ધારાસભ્યોએ શનિવારે રાજપીપળા નજીક નેશનલ હાઈવે પાસે ચક્કાજામનો પ્રયાસ કર્યો હતો.