દેશ

દેશમાં લોકડાઉન 5 અંગે કેન્દ્ર સરકારની મહત્વની જાહેરાત, જાણો ક્યાં ક્યા અપાઈ છૂટ ?

255views

દેશમાં લોકડાઉન 5 અંગે મહત્વની જાહેરાતો કરાઈ છે. સરકારે 1 જૂનથી 30 જૂન સુધી અનલોક-1ની ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં આર્થિક ગતિવિધીઓને છૂટ અપાઈ છે. જ્યારે 8 જૂનથી શરતોને આધીન ધાર્મિક સ્થળો ખુલી શકશે. તેમજ 8 જૂનથી હોટલ, રેસ્ટોરન્ટ, મોલ પણ શરૂ થશે. જોકે 30 જૂન સુધી રાત્રે 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ યથાવત રહેશે. સરકારે એ પણ જાહેરાત કરી છે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યામા જવા માટે પાસની જરૂર નહી પડે. ગૃહમંત્રાલયે અનલોક-1ની ગાઈડલાઈનમાં ત્રણ તબક્કાનો ઉલ્લેખ કર્યો છે.

પ્રથમ તબક્કો
કેન્દ્રીય ગૃહપ્રધાનની ગાઈડલાઈન અનુસાર અનલોક-1 હેઠળ પ્રથમ તબક્કામાં ધાર્મિક સ્થળો, હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય હોસ્પિટાલિટી સર્વિસ તેમજ શોપિંગ મોલને શરૂ કરવાની મંજૂરી અપાઈ છે.

બીજો તબક્કો
30 જૂન સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. પંરતુ જૂલાઈમાં સ્કૂલ, કોલેજો જેવી શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર પર છોડાયો છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયની ગાઈડલાઈન પ્રમાણે રાજ્ય સરકારે સ્કૂલો, શૈક્ષણિક સંસ્થાઓ અને વાલીઓ સાથે ચર્ચા વિચારણા કરીને જૂલાઈમાં આવી સંસ્થાઓ શરૂ કરવા અંગે નિર્ણય લઈ શકે છે.

ત્રીજો તબક્કો
દેશમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરીને ત્રીજા તબક્કામાં બંધ રહેલી સેવાઓ અંગે નિર્ણય લેવાશે. આ સેવાઓમાં આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા, મેટ્રો ટ્રેન, સિનેમા હોલ, જીન્મેશિયમ, સ્વીમિંગ પુલ, થીયેટર્સ, ઓડિટોરિયમ, સેમિનાર હોલ, સાર્વજનિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

• દેશમાં લોકડાઉન 5ને અનલોક-1 નામ અપાયું
• 1 જૂનથી 30 જૂન સુધી અનલોક-1ની ગાઈડલાઈન
• ત્રણ તબક્કામાં અપાશે લોકડાઉનમાં છૂટછાટ
• કેન્દ્રીય ગૃહમંત્રાલયે જાહેર કરી ગાઈડલાઈન
• 8 જૂનથી ધાર્મિક સ્થળે ખુલશે
• 8 જૂનથી હોટલ, રેસ્ટોરન્ટ, મોલ શરૂ થશે
• કન્ટેનમેન્ટ ઝોનની બહાર આર્થિક ગતિવીધીઓને મંજૂરી
• રાત્રે 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ
• 30 જૂન સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ
• જૂલાઈમાં શરૂ થઈ શકશે શાળા કોલેજો
• શાળા –કોલેજો શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર પર છોડાયો
• શૈક્ષણિક સંસ્થા અને વાલીઓ સાથે ચર્ચા કરીને સરકાર નિર્ણય લેશે
• એક રાજ્યમાં બીજા રાજ્યમાં જવા પાસની જરૂર નહી
• આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ, મેટ્રો રેલ સેવા હાલમાં બંધ રહેશે
• જીમ, સ્વિમીંગ પુલ, મલ્ટીપ્લેક્સ, થીયેટર્સ, સેમિનાર હોલ બંધ રહેશે
• કન્ટેનમેન્ટ ઝોનમાં 30 જૂન સુધી લોકડાઉન યથાવત