ગુજરાત

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓને મળે છે ઉત્તમ સગવડ અને ઘર કરતા વધુ સંભાળ

85views

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શુક્રવારે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે કોરોનાના દર્દીઓને અપાતી સારવાર અને સુવિધા બાબતે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. એમ. એમ. પ્રભાકર સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કરીને જરૂરી માહિતી મેળવી હતી. એ સંવાદમાંથી નિપજેલી માહિતી પરથી ખ્યાલ આવે છે કે, કોરોનાનાં દર્દીઓનો કેટલી હદે ખ્યાલ રખાઈ રહ્યો છે. કોરોનાના દર્દીઓને કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન અનુસાર દર્દી સાજા થઇ જાય પછી એમને ડિસ્ચાર્જ આપવા માટેની વ્યવસ્થા કરાય છે.

દર્દીના સગાઓને વીડિયો કોલિંગથી દર્દી સાથે વાત કરાવવાની સુવિધા
દર્દીઓને તેમની જરૂરિયાત પ્રમાણે ડોક્ટરની સલાહ અનુસાર નિયમિત દવાઓ આપવામાં આવે છે. સિવિલમાં દર્દીઓ માટે વેન્ટિલેટર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. દર્દીઓના સગાંઓને વીડિયો કોલિંગના માધ્યમથી દર્દીને વાત કરાવવાની તેમજ તેમના ફીડબેક લેવાની પણ વ્યવસ્થા કરાઈ છે. જે માટે પ્રત્યેક કોરોના વોર્ડમાં ચાર મોબાઈલ સહિત PROની વ્યવસ્થા કરવામાં આવી છે.

સાજા થયેલા દર્દીઓને ઘરે પહોંચાડવાની સિવિલ દ્વારા વ્યવસ્થા
દર્દીના ડિસ્ચાર્જના એક દિવસ પહેલાં દર્દીઓના સગાંઓને SMS દ્વારા જાણ કરવામાં આવે છે. બીજા દિવસે દર્દીને નિયત કરેલા સમયે બપોરે ૨:૩૦ થી ૪:૩૦ દરમિયાન જરૂરી દવાઓ આપીને ડિસ્ચાર્જ કરી (ગાઈડલાઈન અનુસાર) ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા સિવિલ દ્વારા કરવામાં આવે છે.

સિવિલમાં દર્દીઓની સાથે સાથે દર્દીઓના સગાઓ માટે પણ સુવિધા
આ ઉપરાંત દર્દીઓને બેડ પર જ સવારનો નાસ્તો, બપોર-સાંજનું જમવા તેમજ દિવસમાં બે વખત ચા, નાસ્તો, જ્યુસ અને છાશની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સાથોસાથ દર્દીઓના સગાંઓને રહેવા માટે આધુનિક ટેન્ટ, મનોરંજન માટે ટીવી તેમજ યોગાના વર્ગો સહિતની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ છે. ખાસ પ્રકારની લેબોરેટરીમાં D-Dimer, Ferritin, રેડિયોલોજીકલ તપાસમાં એક્સ રે, CT સ્કેન તથા ઈસીજી વગેરેની તપાસ કરવામાં આવે છે. આ ઉપરાંત કોરોનાના દર્દીઓને જરૂર પડ્યે લાઈફ સેવિંગ ઈન્જેક્શન – Tocilizumab પણ આપવામાં આવે છે. આ ઈન્જેક્શનોનો પૂરતી માત્રામાં જથ્થો ઉપલબ્ધ છે.