ગુજરાત

અમદાવાદ સિવિલ હોસ્પિટલની સ્થિતિ સુધારવા ગુજરાત સરકારે લીધેલા પગલાંઓથી હાઈકોર્ટ સંતુષ્ટ

188views

ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમદાવાદની સિવિલ કોવિડ-19 હોસ્પિટલ માટે કરાયેલા અવલોકનો અને રાજ્ય સરકારને અપાયેલી સૂચનાઓ સંદર્ભમાં રાજ્ય સરકારે રજૂ કરેલા અહેવાલની ગુજરાત હાઈકોર્ટે સકારાત્મક નોંધ લીધી છે. આ અંગે વિગતો આપતા ગુજરાતના કાયદાપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે નામદાર હાઈકોર્ટે 22 મેના રોજ સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં કોવિડ19ની સારવાર બાબતે એક હુકમ કર્યો હતો. જે અમદાવાદ સિવિલ હોસ્પિટલના એક રેસિડેન્ટ ડોક્ટરની નનામી અરજી અને કોઈ મેડીકલ ઓફિસરના પત્રના આધારે કરાયો હતો.

• નનામી અરજીમાં સાચી વિગતો નહી – રાજ્ય સરકાર
આ પત્ર સોશિયલ મીડિયામાં મે મહીનાના પહેલા અઠવાડિયામાં જ વાયરલ થયો હતો. નનામી અરજીમાં રજૂ કરાયેલા મુદ્દાઓ કોવિડ19 સિવિલ હોસ્પિટલની સાચી વિગતો રજૂ કરતા નહોતા. આ મામલે રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટને વિનંતી કરી હતી કે જનહિતમાં તાત્કાલિક અરજીની સુનાવણી કરવામાં આવે. જેથી રાજ્ય સરકારે લીધેલા પગલાં અને સારવારની વિગતો ઝડપથી જાહેર જનતા સમક્ષ રજૂ કરી શકાય અને લોકો સુધી સાચી હકિકત પહોચે.

સિવિલ માટે લેવાયેલા પગલાંઓની સકરાત્મક નોંધ
કાયદા પ્રધાને જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલી દલીલો અને પુરાવાઓને ધ્યાને રાખીને હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારે સિવિલ હોસ્પિટલમાં સુધારા માટે કરેલી કામગીરીની સકારાત્મક નોંધ લીધી છે. હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે રેસિડેન્ટ ડોક્ટર કે અન્ય સ્ટાફની કોઈ પણ મુશ્કેલીઓને નિવારવા માટે એક સ્વતંત્ર સમિતિની રચના કરવામાં આવે. જેના અનુસંધાને રાજ્ય સરકારે ગુજરાતના ખ્યાતનામ ડોક્ટર પંજક શાહ, ડો. તેજસ પટેલ, ડો. અતુલ પટેલ, અને ડો. હરિશ દોષીના સમાવેશ સાથે સમિતિની તાત્કાલિક રચના કરી છે.

• સિવિલની આકસ્મિક મુલાકાત લેવાની વિનંતીને હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી
આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા કોવિડ સિવિલ હોસ્પિટલની આકસ્મિક જાત મુલાકાત લઈ ત્યાં ઉપલબ્ધ સગવડતાઓ અને દર્દીઓને અપાતી સુવિધાઓના નિરીક્ષણની વિનંતીને હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી છે. રાજ્ય સરકારે સ્પષ્ટ જણાવ્યું કે કુલ કોવિડ દર્દીઓના 62 ટકા જેટલા દર્દીઓ અમદાવાદ સિવિલમાં ભરતી થાય છે અને અહીયા સારવાર તદ્દન મફત કરાઈ રહી છે.

સિવિલમાં સગવડતાઓ અંગે રાજ્ય સરકારની રજૂઆત
• સિવિલ હોસ્પિટલમાં CCTV નેટવર્ક ઉપલબ્ધ છે
• સિવિલ હોસ્પિટલની તમામ ગતિવિધિઓ પર ધ્યાન રાખવા મોનિટરીંગ રૂમની રચના કરાઈ છે.
• હોસ્પિટલ મેનેજમેન્ટ સિસ્ટમ, નિષ્ણાંત ડોક્ટરોની સેવા ઉપલબ્ધ
• AIIMSના ડિરેક્ટર ડૉ. રણજીત ગુલેરીયાની મુલાકાત સમયે તેમણે સિવિલ હોસ્પિટલની આંતર માળખાકીય સુવિધા અને અપાતી સારવારથી સંતોષ વ્યક્ત કર્યો હતો.

આરોગ્યપ્રધાન- અગ્રસચિવની સિવિલ મુલાકાત
• ગુજરાતના આરોગ્યપ્રધાન નીતિન પટેલે 21 માર્ચથી લઈને 22 મે સુધીમાં પાંચ વખત સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી
• સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ તમામ સુવિધાઓ અને દર્દીઓને મળતી સુવિધાઓનું આરોગ્ય પ્રધાને નિરીક્ષણ કર્યુ
• આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પણ સિવિલ હોસ્પિટલની અનેકવખત મુલાકાત લઈને તમામ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું છે.