દેશબીઝનેસ

ચીનને કોરોનાની પનોતી, એપ્પલ ચીનમાંથી મેન્યુફેક્ચરિંગ યુનિટ ભારતમાં શિફ્ટ કરશે

112views

 

કોરોના કાંડના પ્રણેતા ચીનને હવે હાથના કર્યા હૈયે વાગી રહ્યા છે. વૈશ્વિક કંપનીઓનો ચીનથી મોહભંગ થઈ ગયો છે અને આવી કંપનીઓએ ભારત તરફ નજર દોડાવી છે. હવે સમાચાર એ છે કે મોબાઈલ અને ટેકનોલોજી દૂનિયાની સૌથી પ્રતિષ્ઠિત બ્રાન્ડ એપ્પલ ચીનમાંથી પોતાનો કારોબાર ખસેડીને ભારત આવી રહી છે. એપ્પલ ચીનમાંથી તેના બિઝનેસનો મેન્યુફેક્ચરિંગનો મોટો ભાગ ભારત ખસેડી રહ્યું છે. જેનાથી ચીનને અબજો રૂપિયાનું નુકસાનનો થશે જ સાથે જ 44 લાખ ચીની નાગરિકો બેરોજગાર થશે.

ઈકોનોમિક્સ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર એપ્પલના ઉચ્ચ અધિકારીઓ અને ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે આ અંગે વાર્તાલાપ પણ થયો છે જે બાદ નક્કી થયું છે કે હાલના તબક્કે એપ્પલ તેના મેન્યુફેક્ચરિંગનો 20 ટકા હિસ્સો ભારતમાં શિફ્ટ કરશે. જેનાથી ન માત્ર ભારતમાં રોજગારી વધશે પરંતુ એપ્પલને અનુમાન છે કે આ ડીલથી પાંચ વર્ષમાં તે 40 અબજ ડોલરનો બિઝનેસ કરશે જેનો મોટાભાગનો ફાયદો ભારતને પણ મળશે.

મહત્વનું છે કે એપ્પલના આઈફોનનનું મોટાભાગનું ઉત્પાદન ચીનમાં થાય છે પરંતુ ચીનના વુહાનથી કોરોનાની શરૂ થયેલી ‘વર્લ્ડટુર’થી વિશ્વના અનેક દેશોની કંપનીઓ પોતાનો કારોબાર ચીનથી સમેટી રહી છે. ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જે બધુ આયોજન રીતે પાર પડે તો વર્ષ 2025 પહેલા મોબાઈલ ફોન એક્સપોર્ટથી અંદાજે 100 અબજ ડોલરનો લાભ થશે.

ચીનથી નિકળતી વિદેશી કંપનીઓ ભારતને ઈન્વેસ્ટમેન્ટ માટે બેસ્ટ ઓપ્શન માને છે. અને પીએમ મોદીએ પણ આત્મ નિર્ભર ભારતનો નારો આપીને વિદેશી કંપનીઓને ભારત આવવા માટે સંકેત આપી દીધા છે. ત્યારે એપ્પલ જેવી કંપનીઓએ તો પોતાનો કારોબાર ચીનથી ભારત શિફ્ટ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.