ગુજરાત

રાજ્યસભાની ચૂંટણીમાં એકડા – બગડાનું ગણિત, ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનની જીતની ફોર્મ્યુલા

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે  નરહરિ અમીનને ઉતારતા ચૂંટણીજંગ રસપ્રદ બન્યો છે. ધારો કે કોંગ્રેસના કોઈ ધારાસભ્ય ક્રોસ વોટિંગ ન કરે તો પણ ભાજપનો ત્રીજો ઉમેદવાર જીતી જાય તેવુ ગણિત છે. ભાજપે ત્રીજા ઉમેદવારને જીતાડવા માટે બગડાનું ગણિત ધ્યાને લેવું પડે. જેમાં ભાજપના 3 ઉમેદવાર પૈકી પહેલા ઉમેદવારને 40 એકડા અને 16 બગડા આપવા પડે, જ્યારે બીજા ઉમેદવારને 39 એકડા અને 12 બગડા આપવા પડે. જોકે ત્રીજા ઉમેદવારને ભાજપના 24 એકડાના મતો મળવાના જ છે.

આ ઉપરાંત ભાજપના અન્ય બે ઉમેદવાર કે જેમને 40 અને 39 મતો મળ્યા છે, તેમાંથી જીત માટે 37 મત કરતાં વધુ એટલે કે 40 મતમાંથી 3 મત અને 39 મતમાંથી 2 મત ભાજપના ત્રીજા ઉમેદવારમાં ફેરવાઈ જાય. પરંતુ પહેલા અને બીજા ઉમેદવારના વધારાના મત ત્રીજા ઉમેદવારને મળે ત્યારે તેનું મૂલ્ય અડધા મતનું થઈ જાય છે એટલે કે ભાજપના પહેલા અને બીજા ઉમેદવારના પાંચ મત અડધા થઇને અઢી મત ત્રીજા ઉમેદવારને મળે.

આ ઉપરાંત પહેલા અને બીજા ઉમેદવારને કુલ 28 બગડા મળે આ 28 બગડાનું મૂલ્ય પણ અડધા મત જેટલું ગણાય. તે જોતા બગડાના મત પ્રમાણે વધારાના 14 મત પણ ત્રીજા ઉમેદવારને મળે. હવે કુલ સરવાળો કરીએ તો ભાજપના ત્રીજા ઉમેદવારને 24 એકડા મળે સાથે અન્ય બે ઉમેદવારના વધારાના એકડાના અઢી મત અને 28 બગડાના 14 મતો મળે. આ તમામનો સરવાળો કરીએ તો ભાજપના ત્રીજા ઉમેદવારને 24+2+14 મળીને કુલ 40 મતો મળે જેથી ભાજપનો ત્રીજો ઉમેદવાર પણ બગડાના આધારે જીતી શકે છે.