ગુજરાત

હવે ગુજરાતમાં સરકારી શાળામાં એડમિશન માટે પણ વેઈટિંગ, પાંચ વર્ષમાં 3 લાખ વિદ્યાર્થીઓ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ્યા

ગુજરાતમાં શિક્ષણમાં સુધારણા માટે જે પ્રયાસો થયા છે તેના પરિણામોથી પ્રોત્સાહિત થઈને છેલ્લા પાંચ વર્ષમાં ખાનગી શાળાના 3 લાખ જેટલા વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. હવે સરકારી શાળાઓમાં પણ વેઇટિંગ હોવાના સમાચાર જોવા મળે છે તેવો દાવો રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વિધાનસભામાં કર્યો છે. ગુજરાત વિધાનસભામાં વર્ષ 2020-21ની શિક્ષણ વિભાગ માટેની અંદાજપત્રીય ચર્ચાનો જવાબ આપતા શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે ગુજરાતના શિક્ષણ સુધારાની પ્રક્રિયાની સમગ્ર દેશમાં નોંધ લેવાઈ છે અને શિક્ષણમાં પર્ફોમન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સમાં 1000માંથી 870 ક્રમ સાથે ગુજરાત બીજા ક્રમે જ્યારે 896 પોઈન્ટ સાથે ચંદીગઢ પ્રથમક્રમે છે. પરંતુ રાજ્યની દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સુધારણા માટે લેવાયેલ શ્રેણીબઘ્‍ધ પ્રયાસોની વિગતો આપતા ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાએ જણાવ્‍યું કે, રાજ્યની તમામ પ્રાથમિક, માઘ્‍યમિક અને ઉચ્‍ચતર માઘ્‍યમિક શાળાઓના કુલ 1 કરોડ 14 લાખ 52 હજાર 107 વિદ્યાર્થીઓ અને 3 લાખ 99 હજાર 34 શિક્ષકોની દૈનિક ઓનલાઈન હાજરી પુરવામાં આવે છે. જેનાથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોની નિયમિતતામાં વધારો થયો છે. એટલુ જ નહી દૈનિક ઓનલાઈન હાજરી શરૂ કર્યા બાદ અનિયમિત અને સતત ગેરહાજર રહેતા 115 શિક્ષકોને ફરજમાંથી હટાવાયા છે.