દેશ

કોરોના વાયરસથી જીવ ગુમાવનારા દર્દીઓના પરિવાર માટે મોદી સરકારે જાહેર કરી આર્થિક સહાય

કોરોના વાયરસથી જીવ ગુમાનાર દર્દીઓના પરિવારને ચાર લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા જણાવ્યા અનુસાર સરકારે એસડીઆરએફ હેઠળ સહાય પ્રદાન કરવાના ઉદ્દેશ્યથી કોવિડ-19ને એક અધિસૂચિત કટોકટી જાહેર કરી છે. હાલ દેશમાં કોરોના વાયરસ કેસની સંખ્યા વધીને 83 થઈ છે. જેમાંથી બે દર્દીઓના મોત થયા છે. જોકે અત્યાર સુધીમાં 10 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ્ય પણ થયા છે. અને 73 દર્દીઓને આઈસોલેશન વોર્ડમાં સારવાર અપાઈ રહી છે.

  • 127 દેશોમાં કોરોનાનો પગપેસારો

રાજ્યવાર સ્થિતિ જોઈએ તો કેરળમાં સૌથી વધુ 22, ત્યારબાદ હરિયાણામાં 17 કેસ નોંધાયા છે. આ ઉપરાંત યુપીમાં 11, કર્ણાટકમાં 7,  દિલ્હીમાં 6, રાજસ્થાન અને લદ્દાખમાં 3-3, જમ્મુ કાશ્મીરમાં 2 તેમજ  તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુંમાં 1-1 પોઝીટીવ કેસ નોંધાયો છે. ગુજરાત માટે સૌથી રાહતની વાત એ છે કે ગુજરાતમાં કોરોના વાયરસનો એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી. જ્યારે વિશ્વભરમાં 127 દેશોમાં આ વાયરસનો પગપેસારો થઈ ચૂક્યો છે. ચીનથી આ વાયરસ ફેલાવવાની શરૂઆત થઈ હતી જોકે હવે ત્યાં કોરોનાનો કેર ઘટી રહ્યો છે પરંતુ યુરોપના દેશોમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધી રહી છે. ઈટલીમાં અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે સમગ્ર વિશ્વસમાં 5 હજારથી વધુ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે.

  • ભારતમાં બીજા સ્ટેજમાં કોરોના વાયરસ

ભારતમાં કોરોના વાયરસ હજુ સેકન્ડ સ્ટેજમાં છે જો 30 દિવસમાં યોગ્ય કાળજી નહી લેવાય તો એ ત્રીજા સ્ટેજમાં પહોંચી જશે. અને ત્યારબાદ તેને રોકવો મુશ્કેલ થઈ પડશે. બીજા સ્ટેજમાં કોરોના વાયરસનો મતલબ એ જ કે એવા દર્દીઓ કે જેઓ કોરોના સંક્રમિત દેશોમાંથી પરત ફર્યા છે. હજુ સ્થાનિક સ્તરે આ બિમારી એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાઈ નથી. કોરોના વાયરસથી ડરવાની જરૂર નથી માત્ર થોડીક સાવચેતી રાખીએ તો આ વાયરસથી બચી શકાય છે.