ગુજરાત

રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ‘જૂથ’સર્જન, પ્રજાના પ્રશ્નોની ચર્ચાને બાજૂએ મુકી કોંગ્રેસનું ધારાસભ્યો બચાવ અભિયાન

ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યુ છે ત્યારે પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવાને બદલે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બળજબરીથી ગુજરાત બહાર લઈ જવાનું આયોજન કરી રહી છે. કારણ કે કોંગ્રેસની નજર રાજ્યસભાની ચૂંટણીમાં ગમે તેમ કરીને બે બેઠકો જીતવા પર છે. ભાજપના ઉમેદવારોએ જ્યારે ફોર્મ ભર્યુ ત્યારે સીએમ રૂપાણીએ જે વિશ્વાસ સાથે કહ્યુ કે ભાજપ પાસે ત્રણેય બેઠકો જીતવા માટેનું પુરતું સંખ્યાબળ છે આ નિવેદન બાદ કોંગ્રેસની ચિંતા વધી ગઈ છે. હવે ગમે તેમ કરીને કોંગ્રેસના ધારાસભ્યો પક્ષને વફાદાર કેમ રહે તેની કડાકૂટમાં પ્રદેશ કોંગ્રેસ જ નહી પરંતુ હાઈકમાન્ડ પણ લાગી છે.

  • પાટીદાર ધારાસભ્યો પર ગુપ્ત રાહે વોચ

વર્ષ 2017માં અહેમદ પટેલની ગુજરાતમાંથી રાજ્યસભાની ઉમેદવારી વખતે જે થીયરી અપનાવાઈ હતી તે જ થીયરી પણ આ વખતે અપનાવાઈ રહી છે. એટલે કે પ્રજાના પ્રશ્નોને સાઈડ પર મુકીને કોંગ્રેસ પોતાના ધારાસભ્યો બચાવ અભિયાનામાં કૂદી પડી છે. પ્રદેશ કોંગ્રેસ સંગઠનને પોતાના ધારાસભ્યો પ્રત્યે જ શંકા કુશંકા છે. વિધાનસભામાં 73 ધારાસભ્યોમાંથી કયા વિશ્વાસુ અને કયા અવિશ્વાસુ તેની ગણતરી કોંગ્રેંસમાં ચાલી રહી છે. ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીન પોતે પાટીદાર છે અને કોંગ્રેસના જૂના નેતાઓ સાથે પણ સારી એવી ઘનિષ્ટતા ધરાવે છે. ત્યારે કોંગ્રેસે પોતાના 10થી વધુ પાટીદાર ધારાસભ્યો પર ગુપ્ત રાહે વોચ પણ ગોઠવી દીધી છે.

  • અહેમદ મિયાં કહેશે તેમ કરશે કોંગ્રેસના ધારાસભ્યો

આ તમામની વચ્ચે મુખ્ય રોલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ ભજવી રહ્યા છે. અહેમદ મિંયા જેમ કહેશે તેમ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો મુજરો કરવા તૈયાર થઈ જશે. મળતી માહિતી અનુસાર 15 જેટલા ધારાસભ્યો ગુજરાતમાં રહેશે અને બાકીના 58 ધારાસભ્યોને ગુજરાત બહાર લઈ જવાશે. આ માટે છત્તીસગઢ અને રાજસ્થાનની પસંદગી કરાઈ છે. જોકે ધારાસભ્યોને છત્તીસગઢ લઈ જવાય તેવી શક્યતા વધુ છે કારણ કે ત્યાં કોંગ્રેસની સરકાર હોવાથી ધારાસભ્યોને સાચવવા સહેલા પડશે. રાજસ્થાનમાં પણ કોંગ્રેસની સરકાર છે પરંતુ ત્યાં પહેલાથી મધ્યપ્રદેશ સરકારના કોંગ્રેસના ધારાસભ્યો છે. આથી રાજસ્થાનમાં ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને સાચવાવ થોડીક તકલીફ થઈ પડે. પરંતુ કદાચ ઉદયપુર પણ ધારાસભ્યોને લઈ જવાય તો નવાઈ નહી.

  • કોંગ્રેસમાં ‘વિશ્વાસું’ અને ‘અવિશ્વાસુ’ની યાદી

પરંતુ હાલ તો ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો એ મુંઝવણમાં છે કે તેઓ કઈ કેટેગરીમાં આવે છે પક્ષને વફાદારની કે બેવફાની. કારણ કે હાઈકમાન્ડને જે ધારાસભ્યો વિશ્વાસુ લાગશે તેમને જ ગુજરાતમાં રખાશે બાકીનાઓને ગુજરાત બહાર મોકલી દેવાશે. ગુજરાત બહાર લઈ જવાયેલા ધારાસભ્યોને મતદાનના એક દિવસ અગાઉ કે પછી સીધા જ મતદાન જ્યાં થવાનું છે તે જગ્યાએ લઈ જવાય તેવી ગોઠવણ ચાલી રહી છે.

  • કોનો એકડો ચાલશે, ભરતસિંહનો કે શક્તિસિંહનો ?

કોંગ્રેસને ચિંતા જૂથવાદની પણ છે કારણ કે થોડા દિવસો અગાઉ અર્જૂન મોઢવાડિયાના ટ્વીટથી શક્તિસિંહ ગોહિલ અને અર્જૂન મોઢવાડિયા વચ્ચેનો ગજગ્રાહ સપાટી પર આવ્યો હતો. જો કોંગ્રેસમાંથી કોઈ એકને જ મોકલવાની સ્થિતિ આવે તો કોને પ્રાયોરીટી આપવી તે પણ ચર્ચાનો વિષય છે. ભરતસિંહ સોલંકી ધારાસભ્યો પર સારી પકડ ધરાવે છે તો શક્તિસિંહ ગોહિલ અહેમદ પટેલના વિશ્વાસુ કહેવાય છે. રાજ્યસભાની ચૂંટણીમાં એકડા બગડાનું ગણિત પણ અટપટુ છે એટલે જેને વધારે એકડા મળશે તેના વિજેતા બનવાના ચાન્સ વધી જશે. જોકે ક્રોસ વોટિંગની સ્થિતિમાં અથવા તો કોઈ ધારાસભ્ય ગેરહાજર રહે તો કોંગ્રેસને એક બેઠક ગુમાવવાનો વારો આવશે.

  • કોંગ્રેસનું રિસોર્ટ પોલિટીક્સ

મહત્વનું છે કે રાજ્યસભાની ચૂંટણી આવે એટલે કોંગ્રેસનું રિસોર્ટ પોલિટીક્સ નવું નથી. આ પહેલા વર્ષ 2017માં પણ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના ધારાસભ્યોને બેંગલુરૂમાં ઈગલટન રિસોર્ટ લઈ જવાયા હતા.